Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

બજેટનો ડંખ આજથી જ લાગ્યો

આજથી પેટ્રોલ-ડિઝલ મોંઘાઃ સરકાર ર૮૦૦૦ કરોડ ખંખેરી લેશે

પેટ્રોલમાં રૂ. ર.પ૦ તથા ડિઝલમાં રૂ. ર.૩૦ વધી ગયાઃ ઇંધણ મોંઘુ થવાથી મોંઘવારીનો ફુટશે બોંબ

નવી દિલ્હી તા. ૬ :.. બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર સેસ લાગ્યા પછી લોકોને મોંઘવારીનો પહેલો ડંખ આજથી લાગી ગયો છે. દેશભરમાં આજથી પેટ્રોલ ર.પ૦ અને ડીઝલ ર.૩૦ રૂપિયા મોંઘા થઇ ગયા છે. શુક્રવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમ્યાન પેટ્રોલ અને ડીઝલ પર ર રૂપિયા પ્રતિ લીટર એકસાઇઝ ડયુટી અને રોડ ઇન્ફ્રાસ્ટ્રકચર સેસ વધારવાની જાહેરાત કરી હતી. સરકારનાર દાવા અનુસાર આ વધારાથી સરકારી ખજાનામાં ર૮૦૦૦ કરોડની આવક થશે.

આ જાહેરાત પછી દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭ર રૂપિયા ૯૬ પૈસ થઇ ગઇ છે જે ગઇકાલે ૭૦ રૂપિયા ૯૧ પૈસા પ્રતિ લીટર હતી. એ જ રીતે મુંબઇમાં પેટ્રોલની કિંમત ૭૬.૧પ માંથી ૭૮.પ૭ રૂપિયા અને ડીઝલ ૬૭.૪૦ માંથી ૬૯.૯૦ રૂપિયા થઇ ગઇ છે.

ફલુઅલની બેઝ પ્રાઇઝ પર કેન્દ્રની એકસાઇઝ ડયુટી અને સેસ લાગ્યા બાદ વીએટી લાગે છે. એ કારણે પેટ્રોલના ભાવમાં ર.પ અને ડીઝલના ભાવમાં ર.૩ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થશે. શુક્રવારે અમદાવાદમાં પેટ્રોલ ૬૭.૯૮ રૂપિયે લીટર અને ડીઝલ ૬૭.ર૯ રૂપિયે લીટર વેચાઇ રહ્યું  હતું. જયારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૦.પ૧ રૂપિયા અને મુંબઇમાં ૭૬.૧પ રૂપિયા હતી. તો દિલ્હીમાં ડીઝલ ૬૪.૩૩ રૂપિયા અને મુંબઇમાં ૬૭.૪૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું હતું.

તે ઉપરાંત નાણામંત્રીએ ક્રુડ ઓઇલની આયાત પર એક રૂપિયા પ્રતિ ટનના હિસાબે ઇમ્પોર્ટ ડયુટી પણ લગાવી દીધી છે. ભારત વર્ષે રર કરોડ ટન ક્રુડ ઓઇલ આયાત કરે છે. એ હિસાબે સરકારને લગભગ રર કરોડ રૂપિયાનો ફાયદો થશે.

વર્તમાનમાં સરકાર ક્રુડ ઓઇલ પર કોઇ કસ્ટમ ડયુટી નથી લગાવતી. તેના પર પ્રતિ ટનના હિસાબે પ૦ રૂપિયા એનસીસીડી (નેશનલ કેલેમિટી કોન્ટિનન્ટ ડયુટી) લગાવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાની બજેટ સ્પીચમાં કહયું કે, 'ક્રુડ ઓઇલના ભાવોમાં ઘટાડો થયો છે. તેના કારણે સેસ અને એકસાઇઝ ડયુટીની સમીક્ષા કરી શકાકય છે. પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટરે બે રૂપિયાના દરે એકસસાઇઝ ડયુટી અને સેસ વધારાશે.'

હાલમાં પેટ્રોલ પર કુલ ૧૭.૮૯ રૂપિયાની એકસસાઇઝ ડયુટી લાગે છે. તો ડીઝલ પર કુલ ૧૩.૮૮ રૂપિયા પ્રતિ લીટરના દરે એકસાઇઝ ડયુટી લાગુ થયા છે. તે ઉપરાંત રાજયોમાં અલગ-અલગ વીએટી લાગે છે.

(11:34 am IST)