Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

નાથદ્વારામાં ચોવીસે કલાક શ્રીનાથજીના આઠે સમાના દર્શન

મંગળા ઝાંખી : શ્રૃંગાર : ગ્વાલ : રાજભોગ : ઉત્થાપન : ભોગ : સંધ્યા : શયન ઝાંખીના ભવ્યાતીભવ્ય દર્શન થઇ શકશેઃ શહેરના ૧ર૦ ફુટના રોડ ઉપર કેન્દ્રની યોજના હેઠળ આઠે પ્હોરની ઝાંખીઓઃ ૩૦ કરોડનો ખર્ચ થશેઃ ઓકટોબર પહેલા પર્યટન વિભાગ આ કાર્ય પૂર્ણ કરી લેશેઃ જોધપુરી પથ્થરો વપરાશેઃ મંદિર સુધી હેરીટેજ દેખાવ સર્જતા સ્થંભો લગાડાશેઃ પુષ્ટિ સંપ્રદાયની લઘુ ફિલ્મોનું નિદર્શનઃ હાઇવે સાથે જોડાયેલ ૧ર૦ ફુટ રોડના પ્રવેશમાર્ગથી શરૂ કરી ચોક સુધીનું ભવ્ય આયોજન

ઉદયપુર તા. ૭ :.. રાજસ્થાનમાં શ્રીનાથજીની નગરી નાથદ્વારામાં શ્રધ્ધાળુઓ શહેરના ૧ર૦ ફુટ રોડ પર શ્રીનાથજીની આઠે ઝાંખીઓના દર્શન કરી શકશે. કેન્દ્ર સરકારની કૃષ્ણા સર્કીટ યોજના હેઠળ તેના પર ર૯.૮૧ કરોડ રૂપિયા ખર્ચ થશે. તેના પહેલા હપ્તા રૂપે  પ.૯૬ રોડ રૂપિયા મળી ચુકયા છે. આ યોજનનું કામકાજ પર્યટન વિભાગની દેખરેખમાં છે.

યોજના હેઠળ શ્રીનાથજીની આઠે ઝાંખીઓના દર્શનને પ્રતિકાત્મક રૂપે દર્શાવવા માટે અલગ ઝોન વિકસીત કરાયો છે. આ રોડના સૌંદર્યીકરણ માટે જોધપુરી પથ્થરોની ચાર દિવાલો, નકશીદાર જાળીઓ, બગીચો, બેસવા માટેની બેંચો, ફુવારા, પીવાના પાણીની સુવિધા, રોડ અને ચાર રસ્તાઓ પર હાઇ માસ્ટ લાઇટો લગાવવાનું કામ પ્રગતિમાં છે. પર્યટન વિભાગ અનુસાર આ યોજના ઓકટોબર પહેલા પુરી થઇ જશે. શ્રીનાથજીના મંદિર સુધી હેરીટેજ દેખાવવાળા સ્થંભ લગાવવામાં આવશે. સાથે જ અહીં આવતા શ્રધ્ધાળુઓ અને પ્રવાસીઓને શહેરના ઇતિહાસ, અહીંની પરંપરાઓ, પુષ્ટી માર્ગીય સંપ્રદાયની માહિતી લઘુ ફિલ્મો અને બીજા માધ્યમો દ્વારા આપવા માટે ઓડીટોરીયમ બનાવવા અંગે પણ વિચારણા ચાલુ છે. આ યોજના હેઠળ પ્રવાસીઓ અને શ્રધ્ધાળુઓ માટે વિભીન્ન સુવિધાઓ વિકસીત કરવામાં આવશે. વૈકલ્પિક રસ્તો, પાથવે, સુચના બોર્ડ, સીસી ટીવી કેમેરા, વાઇફાઇ, સોલર લાઇટ, હાઇ માસ્ટ લાઇટ, પાર્કીંગ, લાઇટ એન્ડ સાઉન્ડ શો, કાફેટેરીયા, યાત્રી શેડ અને લોકરની સાથે સાથે વિભીન્ન સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હાઇવે સાથે જોડાયેલ ૧ર૦ ફુટ રોડ પર પ્રવેશ માર્ગથી શરૂ કરીને ચોક સુધી શ્રીનાથજી પ્રભુની આઠે ઝાંખીઓ માટે ઝોન બનાવાય રહ્યા છે. તેમાં આઠે ઝાંખીઓને પ્રદર્શિત કરવામાં આવશે. આના માટે રોડ ડીવાઇડરને અલગ અલગ ઝોનમાં વહેંચી દેવાયા છે. ૧૪૧ મીટર લાંબો પહેલો ઝોન મંગળા ઝાંખીના નામથી બનાવાઇ રહ્યો છે. આ જ રીતે ૧૦૧ મીટરનો બીજો ઝોન શ્રૃંગાર ઝાંખી, ર૭૭ મીટરનો ત્રીજો ઝોન ગ્વાલ ઝાંખી માટે તૈયાર કરાયો છે. જયારે ૧૬૪ મીટરનો ચોથો ઝોન રાજભોગ, ૧૧૯ મીટરનો પાંચમો ઝોન ઉત્થાપન ઝાંખી, ૮પ મીટરનો છઠ્ઠો ઝોન ભોગની ઝાંખી, ૭૪ મીટરનો સાતમો ઝોન સંધ્યા આરતી ઝાંખી અને ર૩૩ મીટર લાંબો આઠમો ઝોન શયન ઝાંખીના નામે બનાવાય રહ્યા છે. સૌથી છેલ્લે ઝોન ૧૬પ મીટર લાંબો છે. જેમાં વિભીન્ન પ્રકારના ફુલછોડ અને વૃક્ષો હશે.  તેમાં ફુવરા, હિંચકા તથા બેસવાની વ્યવસ્થા હશે. (પ-૧૮)

શું છે કૃષ્ણા સર્કીટ યોજના?

ભારત સરકારના પર્યટન મંત્રાલયે સ્વદેશ દર્શન યોજના હેઠળ કૃષ્ણા સર્કીટ યોજના શરૂ કરી હતી. જેના હેઠળ દેશભરના બધા સુપ્રસિધ્ધ કૃષ્ણ મંદિરોને જોડવામાં આવ્યા છે. ઉદયપુર જીલ્લાના નાથદ્વારામાં આવેલ શ્રીનાથજી મંદિર પણ આમાં સામેલ કરાયું છે. જયાં શ્રધ્ધાળુઓ માટે વિભીન્ન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

(11:35 am IST)