Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

પૂ.નમ્રમુનિ મ.સા.નો કોલકત્તા- પારસધામમાં ચાતુર્માસ પ્રવેશ

સંતોના શબ્દોને સાંભળવા કાન જોઈએ પરંતુ સંતોના મૌનને સાંભળવા હૃદય જોઈએઃ પૂ.નમ્રમુનિ મ.સા.

રાજકોટઃ રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો કોલકાતાના શ્રી પારસધામમાં જ્ઞાનગંગામય ચાતુર્માસ કલ્પ મંગલ પ્રવેશ થતાં કોલકાત્તાના હજારો ભાવિકો ભાવવિભોર બનેલ. કોલકાત્તાવાસીઓની ૧૦ વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ ચાતુર્માસ પધારેલા રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૩૮ સંત-સતીજીઓના કોલકાતાના ભાવિકોએ સ્વાગત વધામણા કર્યા હતાં.

અનન્ય ગુરૂભકત હર્ષદભાઈ અજમેરાના નિવાસસ્થાન 'રામેશ્વરા' ખાતે ગુરૂ પુષ્ય નક્ષત્રના અનન્ય યોગ અને અષાઢી બીજના શુભદિને રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના બ્રહ્મનાદે શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર જપ સાધના અને વિશિષ્ટ મંત્રોચ્ચાર સાથે  શોભાયાત્રા પ્રારંભ કરવામાં આવી હતી. બંગાલી બાળકોએ ગુરૂવંદન સૂત્ર બોલીને  ગુરૂવંદના અર્પણ કરેલ. આ શોભાયાત્રા પારસધામના દ્વાર પર વિરામ પામી હતી. રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીએ મંગલ પ્રવેશ કર્યો હતો.

પૂજય ગુરૂદેવશ્રીની પારસધામમાં મંગલ પધરામણી થતા જ અર્હમ યુવા સેવા ગ્રુપના યુવકો દ્વારા નૃત્ય ગાન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજય ગુરૂદેવશ્રી આદિ સંત-સતીજીઓના ચાતુર્માસ પ્રવેશની અનુમોદના કરવા આ અવસરે શ્રમણ સંઘના પૂજય શ્રી મણિભદ્રમુનિજી મ.સા., પૂજય શ્રી સ્વાતીજી મ., પૂજય શ્રી દર્શનાજી મ., આદિ વિશેષ ભાવો સાથે પારસધામ પધાર્યા હતા.

આ અવસરે રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવશ્રીએ બોધવચન ફરમાવતા કહ્યું હતું કે, સંતો પધારવાથી જીવનમાં ઘણું બધું બદલાઈ જતું હોય છે અને કયારેક બધું જ બદલાઈ જતું હોય છે. જયારે ઘણું બધું બદલાય છે ત્યારે પરમાત્માના વંશ બની જવાય છે અને જયારે બધું જ બદલાય છે ત્યારે પરમાત્મા સમાન બની જવાય છે. આ અવસરે શ્રી પારસધામ સંઘના સમગ્ર ચાતુર્માસ કલ્પના  સંઘપતિ તરીકે શ્રી પ્રદીપભાઈ બેલાવાલાને ઘોષિત કરાયેલ.

ચાતુર્માસ દરમ્યાન પૂજય ગુરૂ ભગવંતના શ્રીમુખેથી પ્રગટ થનારી પ્રભુ કથિત શ્રી આવશ્યકસૂત્રના પોથીગ્રંથની ઉછામણીનો અમૂલ્ય લાભ પ્રદીપભાઈ બેલાવાલા પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો.

ઉદારદિલ અવલાણી પરિવારના મહત્તમ યોગદાનના સહયોગે સર્જન પામેલાં  પારસધામ સંકુલ સાથે જોડાયેલાં એવા 'માતૃશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી' આરાધનાલયનું મંગલ ઉદ્દઘાટન કરાયેલ.

રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના સાંનિધ્યે તા. ૧૪ના દિને આચોજિત કરવામાં આવેલાં ગુરૂ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત દેશ-વિદેશના હજારો ગુરૂ ભકતો સમર્પણભાવની  અર્પણતા કરશે. આ મહોત્સવ સવારના ૮:૩૦ કલાકે નઝરૂલ મંચ, સધર્ન એવેન્યુ, સધર્ન પાર્ક, ધાકુરિયાં, કોલકાત્તા ખાતે શરૂ થશે. પધારવા શ્રી પારસધામ સંઘ તરફથી પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.(૩૦.૩)

(11:30 am IST)