Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

આજથી ભાજપાનું મેગા સદસ્યતા અભિયાન

આજથી આ અભિયાનનો શુભારંભ કરવા ભાજપાની ટોચની નેતાગીરી મેદાનમાં ૨૦ કરોડ સભ્ય બનાવવાનો ટાર્ગેટ

નવી દિલ્હી, તા. ૬ :. ભારતીય જનતા પાર્ટી આજથી ફરી એકવાર સદસ્યતા અભિયાનની શરૂઆત કરશે. બીજેપીનું લક્ષ્ય પક્ષના સભ્યોની સંખ્યા ૧૧ કરોડથી વધારીને ૨૦ કરોડ કરવાનું છે. ભાજપા આ અભિયાન દ્વારા પોતાના સભ્યોની સંખ્યામાં ૯ કરોડનો વધારો કરવા ઈચ્છે છે. આજે ભાજપાની માતૃ સંસ્થા જનસંઘના સંસ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જંયતિ છે. ભાજપા આ મોકા પર સભ્ય પદ અભિયાનની શરૂઆત કરશે. આજે ભાજપાની ટોચની નેતાગીરી આ મહત્વાકાંક્ષી અભિયાનમાં જોડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર કાશીમાં આ કાર્યક્રમની શરૂઆત કરશે.

વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે ભાજપા પોતાના પ્રેરણાસ્ત્રોત ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જયંતિ પર સદસ્યતા અભિયાન શરૂ કરશે. કાશીમાં હું આ કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યો છું. આ અભિયાન સમાજના દરેક વર્ગના લોકોને ભાજપા પરિવાર સાથે જોડશે અને તેનાથી અમારો પક્ષ મજબૂત બનશે. કાશીમાં વડાપ્રધાનના બીજા પણ કાર્યક્રમ છે. તેઓ અહીંયા ભાજપા કાર્યકરોને સંબોધન કરશે.

કાશીમાં ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. શુક્રવારે લખનૌ પહોંચેલા નડ્ડાએ કહ્યુ કે પક્ષનું લક્ષ્ય છે કે અમે પક્ષ સાથે જોડાયેલા સભ્યોની સંખ્યા ૧૧ કરોડથી વધારીને ૨૦ કરોડે પહોંચાડીએ.

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેલંગણામાં આ કાર્યક્રમની શરૂઆત કરશે. અમિત શાહ તેલંગણાના રંગારેડ્ડી જીલ્લામાં ભાજપા સંગઠન પર્વ ૨૦૧૯- સદસ્યતા અભિયાનનો શુભારંભ કરશે. જણાવી દઈએ કે તેલંગણામાં ભાજપાની પકડ એટલી મજબુત નથી જેટલી દેશના બીજા રાજ્યોમાં છે. એટલે પક્ષ અહીંયા પગપેસારો કરવાની તૈયારી પૂરજોશમાં કરી રહી છે. તેલંગણાના બહાને ભાજપા દક્ષિણમાં પોતાની પકડ મજબુત કરવા ઈચ્છે છે.

ભાજપાના વરિષ્ઠ નેતા રાજનાથસિંહને રાજસ્થાનની રાજધાની જયપુરમાં સદસ્યતા અભિયાન શરૂ કરવાની જવાબદારી અપાઈ છે. જ્યારે કોંગ્રેસના ગઢ એવા અમેઠીમાં સ્મૃતિ ઈરાની આ કાર્ય શરૂ કરશે.

(12:43 pm IST)