Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

જો યોગ્ય પ્લાનિંગ કરાય તો ૧૩ લાખની આવક સુધી ન લાગે ઇન્કમ ટેક્ષ

નવી દિલ્હી તા ૬  :  મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજુ થઇ ચુકયું છે. આ બજેટમાં મધ્યમ વર્ગને ટેક્ષ બાબતે કોઇ મોટી રાહત નથી આપવામાં આવી  તેમ છતાં બજેટમાં એક એવી જાહેરાત થઇ છે, જેની મદદથી ૧૩ લાખ સુધીની વાર્ષિક કમાણી ટેક્ષ ફ્રી થઇ શકે છે.

સરકારે સામાન્ય બજેટમાં ૪૫ લાખ સુધીનું મકાન ખરીદનારોઓને લોનના વ્યાજ પર ૧.૫ લાખની વધારાની છુટ આપવાની જાહેરાત કરી છે. પહેલા આ છુટ ર લાખ સુધીની હતી, જે હવે વધીને ૩.૫ લાખ થઇ જશે. આ ઉપરાંત ઇલેકટ્રીક વાહનની લોનમાં ૧.૫ લાખ સુધીની છુટ આપવામાં આવશે. આ વધારાનો લાભ ઉઠાવીને ૧૩લાખ સુધીની વાર્ષિક આવક ટેક્ષ ફ્રી કરી શકાય છે.

તો આવો ઉદાહરણ સાથે જાણીએ કે કેવી રીતે તે શકય બની શકે. માની લો કે એક વ્યકિતની વાર્ષિક આવક ૧૩ લાખ રૂપિયા છે, હવે તેમાંથી પ૦૦૦૦ નું સ્ટાન્ડર્ડ ડીડકશન બાદ કરો, એટલે બાકી રહયા ૧૨.૫ લાખ. આ ૧૨.૫ લાખમાંથી ૮૦-સી હેઠળ એલ.આઇ.સી.,મ્યુચ્યલ ફંડ વગેરેમાં રોકેલા ૧.૫૦ લાખ સુધીની છુટ મળે છે. એટલે તેમાં રોકાણ કરતા તેની ટેક્ષેબલ ઇન્કમ રહેશે ૧૧ લાખ રૂપિયા. મેડિકલ, ઇન્સ્યોરન્સ અને એન.પી.એસ. સ્કીમ હેઠળ ૫૦-૫૦ હજારની છુટ મળે છે. આ ઉપરાંત તે વ્યકિત ઇલેકટ્રીક વાહનની લોનમાં ૧.૫ લાખની છુટ અને હોમ લોનમાં ૩.૫ લાખની છુટ મેળવી શકે છે. આ બધી છુટનો લાભ લીધા પછી તેની વાર્ષિક ટેક્ષેબલ આવક રહેશે પ લાખ રૂપિયા. હવે પ લાખની આવક પર કોઇ ટેક્ષ ન હોવાથી તેની બધી આવક ટેક્ષ ફ્રી થઇ શકશે.

(11:08 am IST)