Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

કોન્ટ્રાકટર્સ-વ્યવસાયિકોને વર્ષે ૫૦ લાખથી વધુ ચુકવશો તો પ ટકા ટીડીએસ લાગુ પડશે

વર્ષે ૧ કરોડનું વીજ બિલ ભરો અને પ્રવાસમાં ૨ લાખ રૂ.ખર્ચો તો રીટર્ન ફાઇલ કરવું પડશે

નવી દિલ્હી, તા.૬: ટેકસની જાળને વિસ્તારવા માટે સરકારે કોન્ટ્રાકટર્સ તથા વ્યવસાયિને વ્યકિત દ્વારા એક વર્ષ દરમિયાન ઈં ૫૦ લાખથી વધારેની તમામ ચુકવણી પર પાંચ ટકા ટીડીએસ દાખલ કર્યો છે.

તેમના માટે કામગીરીને સરળ બનાવવા માટે સરકારે જણાવ્યું હતું કે મૂળ સ્થાનેથી કાપવામાં આવેલા ટેકસને (ટીડીએસ) ફકત તેનો પાન નંબરનો ઉપયોગ કરીને ટ્રેઝરીમાં જમા કરાવી શકાશે.

નાણાપ્રધાન નિર્મલા સિતારામને બજેટ ૨૦૧૯-૨૦માં એવી પણ દરખાસ્ત કરી હતી કે જે લોકો એક વર્ષમાં ચાલુ ખાતામાં ઈં એક કરોડ કરતાં વધારે રકમ જમા કરાવે, વિજ બિલ માટે ઈં એક લાખથી વધુની ચુકવણી કરે તથા વર્ષ દરમિયાન વિદેશ પ્રવાસ પાછળ ઈં બે લાખ કરતાં વધારે રકમનો ખર્ચ કરે તેવા લોકો માટે ઇન્કમ ટેકસ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

હાલમાં જો કોઈ વ્યકિત અથવા હિન્દુ અવિભકત પરિવાર તેમના વ્યકિતગત વપરાશ માટે રેસિડેન્ટ કોન્ટ્રાકટર અથવા વ્યવસાયિકને પેમેન્ટ કરે તો તેમણે મૂળસ્થાનેથી કર કપાત કરવાની જરૂર પડતી નથી.

બજેટના દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું હતું કે, નવી જોગવાઈની દરખાસ્ત કરવામાં આવી છે જે પ્રમાણે વ્યકિતઓ તથા એચયુએફ દ્વારા કોઈ કોન્ટ્રાકટર અથવા વ્યવસાયિકને કરવામાં આવેલી વાર્ષિક ચુકવણી ઈં ૫૦ લાખ કરતાં વધારે હોય તો તેમાં મૂળ સ્થાનેથી પાંચ ટકા કર કાપવો પડશે.

ટીડીએસના હેતુ માટે સ્થાવર મિલકતની ખરીદી માટે કરવામાં આવેલ ચુકવણીમાં પ્રોપર્ટીની ખરીદી સાથેના અન્ય ચાર્જીસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આવા ચાર્જીસમાં કલબ મેમ્બરશિપ ફી, કાર પાર્કિંગ ફી, ઇલેકિટ્રસિટી અને વોટર સુવિધા ફી, મેન્ટેનન્સ ફી અને એડવાન્સ ફીનો સમાવેશ થાય છે.

અંદાજપત્રમાં ભારતમાં નિવાસી દ્વારા બિનનિવાસીને નાણા અથવા એસેટ્સ ભેટમાં આપવામાં આવે તો તેના પર પણ કર લાગુ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. સિતારામને દરખાસ્ત કરી હતી કે પાંચ જુલાઇ, ૨૦૧૯ કે તે પછીતી આવી ભેટ પર કર લાગુ કરવામાં આવશે.

ઇન્કમટેકસ રિટર્નને વધારે સરળ બનાવવા તરફના પગલાં તરીકે સરકારે પાન અને આધારની ઇન્ટરચેન્જેબિલિટી માટે દરખાસ્ત કરી છે. તેના કારણે કોઈ વ્યકિત પાસે પાન ન હોય પરંતુ આધાર હોય તો તે ઇન્કમ ટેકસ એકટ હેઠળ પાનની જગ્યાએ આધારનો ઉપયોગ કરી શકશે.

(10:04 am IST)