Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

મહામારીમાં સત્તાની લાલસાથી કામ કરવાથી અરાજકતા ફેલાશે

નામ લીધા વગર વિપક્ષ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પ્રહાર : મારો ઝૂકાવ કદી રાજકારણ તરફ હતો નહીં : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે

મુંબઈ, તા. ૬ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પૂર્વ સહયોગી ભાજપ પર નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું કે  કોરોના વાયરસ મહામારી દરમિયાન 'સત્તાની લાલસા' સાથે કામ કરવાથી 'અરાજકતા' પેદા થશે. તેમણે કહ્યું કે અત્યારે જીવન બચાવવા સૌથી મહત્વપૂર્ણ છે. ઠાકરેએ કહ્યું કે તેઓ સત્તા કેમ ઈચ્છતા હતા તે જો તેમણે સ્પષ્ટ ન કર્યું તો લોકો તેમને ક્યારે માફ નહીં કરે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 'જો મને મત આપનારા લોકો કોવિડ-૧૯ મહામારીથી બચી ન શક્યા તો સત્તાનો ફાયદો શું.' તેમણે વિપક્ષી દળનું નામ લીધા વગર કહ્યું કે કોવિડ-૧૯ મહામારીમાં સત્તાની લાલસાથી કામ કરવાથી અરાજકતા પેદા થશે. ઠાકરેએ કહ્યું કે મુખ્યમંત્રી બનવાનું લક્ષ્ય ક્યારેય નહતું અને શિવસેનાના સંસ્થાપક દિવંગત બાળા સાહેબ ઠાકરેને શિવસેનાના એક કાર્યકરને મુખ્યમંત્રી બનાવવાનું તેમણે આપેલું વચન પણ હજુ પૂરું થયું નથી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મારો ઝૂકાવ ક્યારેય રાજકારણ તરફ હતો નહીં. હું મારા પિતાને મદદ કરવા માટે રાજકારણમાં આવ્યો હતો. ૧૦૦ વર્ષ બાદ એક મહામારી મુખ્યમંત્રી તરીકે મારા કાર્યકાળ દરમિયાન આવી. હું ક્યારેય જવાબદારીથી ખચકાયો નથી. હું મારી ક્ષમતા મુજબ જે કરી શકું છું તે કરું છું. તેમને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે શું ભાજપની સાથે શિવસેનાનું ગઠબંધન જે ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી બાદ કટુતા સાથે ખતમ થયું તે પુર્નજીવિત થઈ શકે છે. જેના જવાબમાં ઠાકરેએ કહ્યું કે ભાજપ નેતાઓ પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડેના નિધન બાદ સંબંધો અને વિશ્વાસની કમી હતી. ભાજપ હવે દિલ્હી કેન્દ્રિત છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, મારા નવા સહયોગી (એનસીપી અને કોંગ્રેસ) મારી સાથે સન્માનથી વર્તે છે. કોઈ ગઠબંધનમાં મતભેદો પર  ચર્ચા કરવા અને તેના ઉકેલ માટે ખુલ્લાપણું હોવું જોઈએ. એમવીએ એક ગઠબંધન છે જેમાં અમારા મતભેદ હતા, આથી અમે હવે વધુ ખુલ્લા થયા છીએ. ઠાકરેએ કહ્યું કે ભાજપ સાથે ગઠબંધને પોતાનો 'સોનેરી કાળ' જોયો, જ્યારે બંને પાર્ટીઓ વિપક્ષમાં હતી અને ભગવા વિચારધારાએ તેમને એકસાથે રાખ્યા અને તેમનામાં પરસ્પર વિશ્વાસ અને સન્માન હતું.

(8:26 pm IST)