Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

ભારતીય અને બ્રિટિશ વડાપ્રધાન ઉપર શિવસેનાના પ્રવક્તાના તીખા પ્રહારો

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે સમનમાં પોતાના લેખમાં લખ્યુ છે કે, કોરોનાના કાળમાં સમય કેવી રીતે પસાર કરવો તેની સમસ્યા છે. દિલ્હીમાં વડાપ્રધાન માટે નવુ મકાન બની રહ્યું છે. આ વર્ષમાં કરોડો લોકોની નોકરી છીનવાઇ ગઇ છે. માત્ર સ્મશાન અને કબ્રસ્તાન ચોવીસ કલાક ખુલ્લા છે.
કોરોના કાળમાં ભારતીય સરકાર પંજાબ નેશનલ બેન્કના લોન કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને પાછો લાવવા માટેની કાર્યવાહી કરીને સમય પસાર કરી રહી છે પણ પ્રશ્ન તે છે કે, મહુલ ચોક્સીને ભારતના હવાલે કરાશે, જો કરાશે તો સેન્ટ્રલ વિસ્ટામાં મેહુલ ચોક્સીની ઈમારત બનાવાય કે તેને ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ અપાય તો નવાઈ નહી હોય.
રાઉતે કહ્યુ હતુ કે, કોરોનાકાળમાં નવુ સંસદ ભવન, ૧૫ એકરમાં વડાપ્રધાન માટે નવુ ઘર બની રહ્યુ છે. આ નવી ઈમારતો કોરોના વાયરસથી પ્રૂફ છે કે કેમ તેનો જવાબ કેન્દ્ર સરકાર આપે. હાલમાં મારા વડાપ્રધાન લોક કલ્યાણ માર્ગ પર ૧૩ એકરના મકાનમાં રહે છે. હવે નવી યોજના હેઠળ બનનારા ૧૫ એકરના ઘરમાં તેઓ રહેવા જશે. પીએમ તો પોતાની જાતને ફકીર માને છે પણ સેન્ટ્રલ વિસ્ટા હેઠળ બનનારા નવા મકાનની એક પણ શરત ફકીરની કેટેગરીમાં આવતી નથી.
રાઉતે બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પર પણ કટાક્ષ કરતા લખ્યુ છે કે, કોરોના કાળમાં સમય પસાર કેવી રીતે કરવો તે માટે બોરિસ જોનસને લગ્ન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે. જોનસનના આ ત્રીજા લગ્ન છે. બ્રિટનમાં કોરોના કંટ્રોલમાં આવશે નહીં તો જોનસન કદાચ ટાઈમ પાસ માટે ચોથા કે પાંચમા લગ્ન પણ કરી શકે છે..!

(5:55 pm IST)