Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

બિહાર-ઝારખંડના IAS અધિકારી પૂજા સિંઘલના નિવાસ સ્થાન પર ED ના દરોડા :19 કરોડ 31 લાખની રોકડ મળી આવી : અલગ-અલગ જગ્યાએ 150 કરોડથી વધુ રકમના રોકાણના કાગળો મળી આવ્યા

બિહાર : ઝારખંડના ખાણ અને ઉદ્યોગ સચિવ IAS ઓફિસર પૂજા સિંઘલના પરિસરમાં શુક્રવારે 18 સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં EDને મોટી સફળતા મળી છે. તેમના નજીકના CAના ઘરેથી 19.31 કરોડની રોકડ મળી આવી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે ઝારખંડમાં મોટી કાર્યવાહી કરીને વરિષ્ઠ IAS અને રાજ્યના ખાણ અને ઉદ્યોગ સચિવ પૂજા સિંઘલના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. પૂજા અને તેના નજીકના લોકોના બે ડઝન સ્થળો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પૂજા સિંઘલના પતિ અને બિઝનેસમેન અભિષેક ઝાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી 19 કરોડ 31 લાખની રોકડ મળી આવી હતી. આ સાથે જ અલગ-અલગ જગ્યાએથી 150 કરોડથી વધુના રોકાણના કાગળો પણ મળી આવ્યા છે. જો કે, EDએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર સમર્થન આપ્યું નથી. શુક્રવારે વહેલી સવારે શરૂ થયેલી EDની આ કાર્યવાહી સમાચાર લખાય છે ત્યાં સુધી ચાલુ હતી.

બે ડઝન સ્થળો પર દરોડા: માહિતી અનુસાર, EDની જુદી જુદી ટીમોએ રાંચીમાં પૂજા સિંઘલના સત્તાવાર નિવાસસ્થાન, કાંકે રોડ પર પંચવટી રેસિડેન્સીના બી બ્લોકના ફ્લેટ નંબર 104, પૂજા સિંઘલના પતિના સીએ સુમન કુમારની ઓફિસ અને નિવાસસ્થાન પર દરોડા પાડ્યા છે. અભિષેક ઝાની પલ્સ હોસ્પિટલ, સસરા કામેશ્વર ઝાનું મિથાનપુરા, મુઝફ્ફરપુર ખાતેનું નિવાસસ્થાન, પૂજા સિંઘલના ભાઈ અને માતા-પિતાનું નિવાસસ્થાન, કોલકાતામાં સીએના એન્ટ્રી ઓપરેટર રૌનક અને પ્રાચી અગ્રવાલ, રાજસ્થાનના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ એન્જિનિયર રાજેન્દ્ર કુમાર જૈનના જયપુરમાં રહેઠાણ સહિત કુલ  બે ડઝન જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
.
અનેક મહાનગરોમાં રોકાણ : જાણકારી અનુસાર રાંચી સિવાય દેશના અનેક મહાનગરોમાં જમીન, ફ્લેટમાં રોકાણ કરવામાં આવ્યું છે. પૂજા સિંઘલના પતિ અભિષેક ઝાની માલિકીની રાંચીની પલ્સ હોસ્પિટલ વિશે પણ EDને મહત્વપૂર્ણ માહિતી મળી છે.તેવુ એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(8:09 pm IST)