Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

અઝાન માટે મસ્‍જિદોમાં લાઉડસ્‍પીકરનો ઉપયોગ ‘મૌલિક અધિકાર' નથી

અલ્‍હાબાદ હાઇકોર્ટની મહત્‍વની ટિપ્‍પણી : અઝાન ઇસ્‍લામનો હિસ્‍સો છે લાઉડસ્‍પીકર નહિ : લાઉડસ્‍પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી માંગતી અરજી કોર્ટે ફગાવી

અલ્‍હાબાદ તા. ૬ : અલ્‍હાબાદ હાઈકોર્ટે મસ્‍જિદોમાં લાઉડસ્‍પીકર લગાવવાની માંગ કરતી અરજીને ફગાવી દેતા કહ્યું કે મસ્‍જિદોમાં લાઉડસ્‍પીકર લગાવવા એ મૂળભૂત અધિકાર નથી.  આદેશ પસાર કરતી વખતે, ન્‍યાયમૂર્તિ વિવેક કુમાર બિરલા અને ન્‍યાયાધીશ વિકાસની ડિવિઝન બેન્‍ચે કહ્યું, ‘કાયદો કહે છે કે મસ્‍જિદોમાં લાઉડસ્‍પીકરનો ઉપયોગ કરવો એ બંધારણીય અધિકાર નથી.' ઈરફાન નામની વ્‍યક્‍તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં બિસૌલી સબ-ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા આદેશને પડકારવામાં આવ્‍યો હતો. મસ્‍જિદમાં લાઉડસ્‍પીકર લગાવવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે મસ્‍જિદમાં લાઉડસ્‍પીકર લગાવવો એ કોઈનો મૂળભૂત અધિકાર નથી.
 બદાઉન જિલ્લાના SDMએ અગાઉ ૩ ડિસેમ્‍બર, ૨૦૨૧ના રોજ ધોરનપુર ગામની નૂરી મસ્‍જિદમાં અઝાન માટે લાઉડસ્‍પીકર લગાવવાની પરવાનગી નકારી દીધી હતી. અરજદારે તેની અરજીમાં દાદ માંગતા જણાવ્‍યું હતું કે SDMનો આદેશ ‘ગેરકાયદેસર' હતો અને તે ‘મૂળભૂત અધિકારો અને વૈધાનિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે.'
ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્‍થળો પરથી લાઉડસ્‍પીકર હટાવવાના નિર્ણયને હાઈકોર્ટે પણ મંજૂરી આપી દીધી છે. અલ્‍હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે લાઉડસ્‍પીકર પર અઝાન કરવી એ મૌલિક અધિકાર નથી. આ મહત્‍વપૂર્ણ ટીપ્‍પણી સાથે કોર્ટે બદાઉનના એક મૌલવી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટનો આ નિર્ણય એવા સમયે આવ્‍યો છે જયારે યોગી સરકારના આદેશ પર યુપીમાં ધાર્મિક સ્‍થળો પરથી એક લાખથી વધુ લાઉડસ્‍પીકર હટાવી દેવામાં આવ્‍યા છે અને તેનાથી લાઉડસ્‍પીકરનો અવાજ ઓછો કરવામાં આવ્‍યો છે.
બદાઉનની નૂરી મસ્‍જિદના મુતવલ્લી ઈરફાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી જસ્‍ટિસ વિવેક કુમાર બિરલા અને જસ્‍ટિસ વિકાસ બધવારની ખંડપીઠે ફગાવી દીધી હતી. ઈરફાને અઝાન માટે લાઉડ સ્‍પીકર લગાવવાની પરવાનગી માંગીને એસડીએમ તહસીલ બિસોલીને અરજી કરી હતી. SDMએ લાઉડસ્‍પીકર લગાવવાની તેમની ફગાવી દીધા બાદ ઈરફાને હાઈકોર્ટનો આશરો લીધો હતો.
ઈરફાને કોર્ટ પાસે દાદ માંગી હતી કે સરકાર અને પ્રશાસનને મસ્‍જિદમાં લાઉડ સ્‍પીકર કે માઈક્‍સ લગાવવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપવામાં આવે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે SDMનો નિર્ણય ગેરકાયદેસર છે અને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. ઈરફાનની દલીલોને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે કાયદો નક્કી કરવામાં આવ્‍યો છે કે મસ્‍જિદમાં લાઉડસ્‍પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી. કોર્ટે ઈરફાનની દલીલોને ફગાવી દેતા અરજી ફગાવી દીધી હતી.

 

(2:56 pm IST)