Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ફરી શરૂ થશે બેઠકોનો ધમધમાટ ૬૫ કલાકમાં ૨૫ બેઠકો : સ્‍વદેશ ફરતા જ પીએમઓ પહોંચ્‍યા પીએમ મોદી

નવી દિલ્‍હી તા. ૬ : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આ વર્ષની તેમની પ્રથમ વિદેશ યાત્રા પૂર્ણ કરીને સ્‍વદેશ પરત ફર્યા છે. પીએમ મોદીએ આ દરમિયાન ત્રણ યુરોપિયન દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યો. તેઓએ વેપાર, ઉર્જા અને ગ્રીન ટેક્‍નોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા માટે ઘણી દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પીએમ મોદી પ્રવાસમાંથી પરત ફર્યા બાદ તરત જ તેમની ઓફિસ પહોંચી ગયા હતા. જે બાદ તેઓ ભારતમાં સાતથી આઠ બેઠકો કરશે. પોતાની વિદેશ યાત્રા દરમિયાન પીએમ મોદીએ ઘણા દેશોના રાષ્ટ્રાધ્‍યક્ષોને પણ મળ્‍યા હતા અને ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતો. પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેની તસવીરો અને વીડિયોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ૨ થી ૪ મે દરમિયાન જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસના પ્રવાસે હતા. પીએમ મોદીએ ૬૫ કલાકમાં સાત દેશોના આઠ વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠકો કરી. પીએમએ તેમની વિદેશ યાત્રા દરમિયાન લગભગ ૨૫ બેઠકો કરી. આ સિવાય પીએમ મોદીએ ૫૦ વૈશ્વિક બિઝનેસ લીડર્સ સાથે પણ વાતચીત કરી હતી. પીએમ મોદી ઘરે પરત ફરતાની સાથે જ તેમણે ઝડપી સભાઓ કરવાનું શરૂ કરી દીધું હતું. દેશના વિવિધ ભાગોમાં કાળઝાળ ગરમીનો સામનો કરવા અને ચોમાસાને લગતી તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક મહત્‍વપૂર્ણ બેઠકની અધ્‍યક્ષતા કરશે.

તેમણે જણાવ્‍યું હતું કે યુરોપીયન દેશોની ત્રણ દિવસની મુલાકાતેથી પરત ફર્યા બાદ વડાપ્રધાન દિવસમાં લગભગ સાતથી આઠ બેઠકો યોજવાના છે. સૂત્રોએ જણાવ્‍યું કે સ્‍વદેશ પરત ફર્યા બાદ તરત જ વડાપ્રધાન તેમની ઓફિસ જશે. દેશના ઘણા ભાગોમાં તાપમાનનો પારો ઝડપથી વધી રહ્યો છે અને ઘણા શહેરોમાં તાપમાન ૪૫ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચી ગયું છે. જો કે બુધવારે દિલ્‍હી સહિત દેશના કેટલાક ભાગોમાં કરા અને વરસાદને કારણે લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી હતી.

અગાઉ, એક ટ્‍વિટમાં, વડા પ્રધાને તેમની ફ્રાન્‍સ મુલાકાતને ‘ખૂબ જ અર્થપૂર્ણ' ગણાવી હતી. મોદીએ કહ્યું, ‘મારી ફ્રાન્‍સની મુલાકાત ટૂંકી હતી પરંતુ તે ઘણી ફળદાયી રહી. મને અને પ્રમુખ ઈમેન્‍યુઅલ મેક્રોનને વિવિધ વિષયો પર ચર્ચા કરવાની તક મળી. અદ્‌ભૂત આતિથ્‍ય માટે હું તેમનો અને ફ્રાન્‍સની સરકારનો આભાર માનું છું.' તેમની મુલાકાતના છેલ્લા તબક્કામાં મોદીએ મેક્રોન સાથે વિગતવાર વાતચીત કરી હતી. થોડા અઠવાડિયા પહેલા, મેક્રોન ફરીથી ફ્રાન્‍સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

(1:39 pm IST)