Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

મોદીજીએ મારા પિતાનું અપમાન કર્યું પરંતુ મને તેમના માટે માત્ર પ્રેમ છે : રાહુલ ગાંધી

ચાંદની ચોકમાં સભા સંબોધતા રાહુલે કહ્યું મોદીએ એક શહીદ (રાજીવ ગાંધી ) નું અપમાન કર્યું

 

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપો પ્રતિઆક્ષેપોનો મારો ચલાવાઈ રહ્યો છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, ભલે વડાપ્રધાન મોદીએ તેમના પિતા રાજીવ ગાંધીનું અપમાન કર્યું, પરંતુ વડાપ્રધાન માટે તેમના મનમાં માત્ર પ્રેમ છે. રાહુલે દિલ્હીના ચાંદની ચોક લોકસભા વિસ્તારમાં  સોમવારે આયોજીત એક ચૂંટણી સભા સંબોધિત કરતા વાત કરી હતી

  રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ એક શહીદ (રાજીવ ગાંધી) નું અપમાન કર્યું છે. મારા પરિવાર માટે ભલે તેઓને ગમે તેટલી ધૃણા હોય, પરંતુ હું તેમને પ્રેમ કરુ છું. ઉત્તરપ્રદેશમાં શનિવારે એક રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ પર હુમલો કરતા પૂર્વ વડાપ્રધાનને નિશાન બનાવ્યા હતા.

 વડાપ્રધાને કહ્યું હતું કે, તમારા પિતાને તેમના દરબારી મિસ્ટર ક્લિન (શ્રીમાન સ્વચ્છ) કહેતા હતા પરંતુ તેમની જીવન ભ્રષ્ટાચારી નંબર 1 ની જેમ પુરૂ થયું. વડાપ્રધાન મોદીનાં નિવેદનની વિપક્ષી નેતાઓએ તીખી નિંદા કરી છે.

  વડાપ્રધાને પણ રાજીવ ગાંધી પર નિશાન સાધવાનું ચાલુ રાખ્યું અને કોંગ્રેસને પડકાર ફેક્યો કે તેઓ બોફોર્સનાં આરોપી પૂર્વ વડાપ્રધાનનાં નામ પર ચૂંટણી લડીને દેખાડે. રાહુલે ચુંટણી સભામાં લઘુત્તમ આવક યોજના (ન્યાય)નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેના કારણે દેશની અર્થવ્યવસ્થા આગળ વધશે. તેમણે કહ્યું કે, ન્યાય યોજનાથી દિલ્હી અને દેશની અર્થવ્યવસ્થામાં વધારો થશે. દિલ્હીની સાતેય લોકસભા સીટો માટે છઠ્ઠા તબક્કામાં 12 મેનાં રોજ મતદાન થશે.

(12:38 am IST)