Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

એક્સપાયરી પીએમની સાથે ચર્ચા કરવા માટે ઈચ્છુક નથી

મમતા બેનર્જીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વળતા પ્રહાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો ત્યારે ખડગપુર ખાતે હતા : મમતા બેનર્જી

કોલકતા, તા. ૬ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે વડાપ્રધાન કચેરી (પીએમઓ) તરફથી આવેલા ફોનને લઈને ખુલાસ કર્યો હતો. વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે મોદી એક્સપાયરી વડાપ્રધાનની સાથે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થવા માનતા નથી. એક્સપાયરી પીએમની સાથે તેઓ બેસવા ઈચ્છુક નથી. મોદીના આક્ષેપો પર મમતા બેનર્જીએ રેલીમાં કહ્યું હતું કે તેઓ ખડગપુરમાં હતા જેથી ચક્રવાતી ફેનીના સંદર્ભમાં વડાપ્રધાનના ફોન આવવાના સમયે વાતચીત થઈ શકી ન હતી. મમતાએ મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે ચુંટણી યોજાઈ રહી છે. જેથી તેઓ એક્સપાયરી વડાપ્રધાન સાથે વાતચીત કરવા માટે તૈયાર નથી. અત્રે નોંધનિય છે કે વડાપ્રધાનની કચેરી સાથે જોડાયેલા સૂત્રો કહી રહ્યા છે કે ખેંચતાણ દિન પ્રતિદિન વધી રહી છે. પીએમ કચેરીના સૂત્રોએ કહ્યું છે કે ફેની તોફાન બાદ મોદી ઓરિસ્સાની જેમ જ પશ્ચિમ બંગાળમાં પણ મુખ્યમંત્રીની સાથે હવાઈ સર્વેક્ષણ કરવા અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવા માટે ઉત્સુક હતા. આના માટે સત્તાવાર રીતે અધિકારીઓ સાથે બેઠક માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો હતો. આ પહેલા વડાપ્રધાને મમતા બેનર્જી પર ચક્રવાત ફેનીને લઈને નબળી રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો હતો. આક્ષેપબાજીનો દોર આગામી દિવસોમાં જારી રહે તેવી શક્યતા છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની વધતી જતી તાકાતને લઈને બંગાળના મુખ્યમંત્રી ચિંતાતૂર બનેલા છે. આવી સ્થિતિમાં હાલમાં પોતાની સ્થિતને જાળવવા માટેના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. અગાઉની તમામ ચુંટણીની સરખામણીમાં મમતા બેનર્જી વધારે મહેનત કરી રહ્યા છે. બીજી બાજુ ભાજપે તમામ તાકાત બંગાળ પર કેન્દ્રિત કરી છે.

(7:19 pm IST)