Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

અમેઠીમાં રાહુલ ગાંધી બુથ કેપ્ચરીંગ કરાવી રહ્યા છે : સ્મૃતિ ઇરાનીનો આરોપ

એક વડીલનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ આરોપ લગાવી રહ્યા છે કે તેમને જબરદસ્તી કોંગ્રેસમાં વોટ અપાવવામાં આવ્યો

અમેઠી તા. ૬ : લોકસભા ચૂંટણીના પાંચમા ચરણમાં ૫૧ સીટો પર મતદાન વચ્ચે હાઈ પ્રોફાઈલ અમેઠીમાં વોટ સાથે શાબ્દિક યુદ્ઘ પણ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્રમાં તેમને પડકાર આપી રહેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ એક વીડિયોને લઈને કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધ્યું છે. સ્મૃતિએ આરોપ લગાવ્યો કે અમેઠીમાં રાહુલ ગાંધી બૂથ કેપ્ચરિંગના પ્રયત્નોમાં લાગેલા છે. આપને જણાવી દઈએ કે એક વડીલનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ આરોપ લગાવી રહ્યા છે કે તેમને જબરદસ્તી કોંગ્રેસમાં વોટ અપાવવામાં આવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ આ વીડિયો દ્વારા રાહુલ ગાંધીને ઘેર્યા છે અને ચૂંટણી આયોગને આ મામલે ફરિયાદ કરી છે.

આ મામલો ગૌરીગંજના ગુજરટોલા બુથ નંબર ૩૧૬નો છે, જયાં મહિલાએ પીઠાસીન અધિકારીને જબરદસ્તી વોટ કરાયાનો આરોપ મૂકતા કહ્યું કે હાથ પકડીને જબરદસ્તી પંજા પર વોટ અપાવી દેવામાં આવ્યો. આ મુદ્દા પર એસડીએમ એ કહ્યું કે હજુ મને ફરિયાદ મળી નથી, સોશિયલ મીડિયાથી માહિતી મળી છે. તપાસ ચાલી રહી છે. અમેઠીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરૂદ્ઘ ભાજપના સ્મૃતિ ઇરાની મેદાન પર છે. આ સીટ પર ચૂંટણી મુકાબલો અગત્યનો મનાઇ રહ્યો છે. આમ તો આ સીટ કોંગ્રેસનો ગઢ મનાય છે અને રાહુલ અહીંથી ત્રણ વખત સાંસદ રહી ચૂકયા છે. પરંતુ સ્મૃતિ ઇરાની છેલ્લાં ઘણા સમયથી અહીં સક્રિય મનાઇ રહ્યા છે.

સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર ખોટી રાજનીતિનો આરોપ લગાવતા કહ્યું કે અમેઠીની એક હોસ્પિટલમાં એક વ્યકિતનું ઈલાજ ન થવાના કારણે એટલા માટે મૃત્યું થયું કારણ કે તેમની પાસે આયુષ્માન ભારત કાર્ડ હતું અને રાહુલ ગાંધી તે હોસ્પિટલના ટ્રસ્ટી છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે એક વ્યકિત મૃત્યુ પામ્યા કારણકે તેમનો હોસ્પિટલમાં ઈલાજ કરવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો. આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તેમની પાસે આયુષ્માન ભારત કાર્ડ હતું.

(4:05 pm IST)