Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

બમ્પર પેન્શનનું કર્મચારીઓનું સપનું રગદોળાશે

રૂ. ૧પ,૦૦૦ની મર્યાદા હટાવતા કેરળ હાઇકોર્ટના ચુકાદાને EPFO સુપ્રીમમાં પડકારશે

નવી દિલ્હી તા. ૬: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ) પર કેરળ હાઇકોર્ટના ચુકાદાથી ખુશ થનારા ખાનગી સેકટરના ઇપીએફઓ સબસ્ક્રાઇબર્સ માટે઼ ખરાબ સમાચાર છે. અહેવાલો અનુસાર ખાનગી સેકટરના કર્મચારીઓનું બમ્પર પેન્શન મેળવવાનું સપનું રગદોળાઇ જશે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) એ કેરળ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા વિચારણા કરી છે.

હાલના નિયમો હેઠળ ઇપીએફઓ છેલ્લા પગારના આધારે માસિક પેન્શન આપે છે અને આ પેન્શનની ગણતરી માટે રૂ. ૧પ,૦૦૦ માસિક બેઝિક સેલરી લિમિટ નકકી કરવામાં આવી છે.

કેરળ હાઇકોર્ટે ઇપીએફઓને પેન્શનની ગણતરી માટે આ ૧પ,૦૦૦ની મર્યાદા રદ કરવા અને કર્મચારીને પુરા પગારના આધારે પેન્શન ચૂકવવા આદેશ આપ્યો હતો. ઇપીએફઓના અધિકારીઓની દલીલ છે કે ઇપીએસમાં માસિક ફાળો ઓછો છે, જેના કારણે તે વધુ પેન્શનનો બોજ વહન કરી શકશે નહીં. કેશ કટોકટીના કારણે ઇપીએફઓને અગાઉ પણ લઘુતમ પેન્શન રૂ. ૧૦૦૦થી વધારીને રૂ. ર૦૦૦ કરવાની યોજના મોકૂફ રાખવી પડી હતી. ઇપીએફઓમાં કવર્ડ કર્મચારીઓ પોતાના પગારના ૧ર ટકા ફાળો પીએફમાં અને એટલી જ રકમ એમ્પ્લોયરને ચુકવવી પડે છે. કર્મચારીઓના આ ફાળામાંથી ૮.૩૩ ટકા રકમ પેન્શન સ્કીમમાં જાય છે.

(4:05 pm IST)