Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

મોદીએ ઓડિશાની લીધી મુલાકાત : ૧૦૦૦ કરોડની સહાય જાહેર

ઓડિશામાં ફાની વાવાઝોડાના કારણે થયેલી ક્ષતિનું નિરીક્ષણ કરવા માટે હવાઇ સર્વેક્ષણ કર્યું હતું : પીએમ મોદીએ મુખ્યમંત્રી નવીન પટનાયક અને ટોચના અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરી હતી

નવી દિલ્હી તા. ૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઓડિશામાં ફાની વાવાઝોડાના કારણે થયેલી ક્ષતિનું નિરિક્ષણ કરવા માટે હવાઇ સર્વેક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ હવાઇ મુલાકાત બાદ ઓડિશાની હાલાત પર મુખ્યમંત્રી નવીન પટનાયક અને ટોચના અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેમણે કેન્દ્ર સરકારની તરફથી આપત્તિ અસરગ્રસ્ત ઓડિશાને ૧૦૦૦ કરોડ રૂપિયાની વધારાની સહાયની ઘોષણા કરી છે. આ પહેલા ઓડિશાને કેન્દ્ર સરકારની તરફથી ૩૮૧ કરોડ રૂપિયા સહાય આપવામાં આવી છે.

ઓડિશાના આપત્તિ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇ સર્વેક્ષણ દરમિયાન પીએમ મોદીની સાથે રાજયપાલ ગણશી લાલ અને મુખ્યમંત્રી નવીન પટનાયક પણ હાજર રહ્યાં હતા. પીએમઓ તરફથી આ જાણકારી આપવામાં આવી છે કે, પીએમ મોદી કેન્દ્ર સરકારની તરફથી પશ્ચિમ બંગાળના ટોચના અધિકારીઓ સાથે ફાની વાવાઝોડા બાદના હાલાત પર સમીક્ષા બેઠક કરવા ઇચ્છે છે. તેના માટે પશ્ચિમ બંગાળ સરકારને પત્ર પણ લખ્યો હતો. પરંતુ રાજય સરકારે દરેક અધિકારીઓ ચૂંટણી ડ્યૂટીમાં તૈનાત હોવાના કારણે સમીક્ષા બેઠકથી ઇન્કાર કર્યો હતો.

પીએમ મોદી અહીં પહોંચ્યા બાદ વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત પુરી જિલ્લો અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ લેવા સીધા તેમના હેલિકોપ્ટરમાં ગયા. ઓડિશાના કોસ્ટ પર ગત શુક્રવારે પહોંચેલા ફાની વાવાઝોડાના કારણે ઓછામાં ઓછા ૩૪ લોકોનું મોત થયા છે અને હજારો લોકો જળસંકટથી લડી રહ્યાં છે. વડાપ્રધાને શનિવારે મુખ્યમંત્રીથી ફોન પર પણ વાત કરી ફાની વાવાઝોડા બાદની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી અને સતત સપોર્ટ કરવાની ખાતરી આપી હતી.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ટ્વિટ કર્યું હતું કે, કાલ સવાર ઓડિશા જઇશ, જયાં હું ફાની વાવાઝોડાના કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરીશ અને ટોચના અધિકારીઓ સાથે બેઠક કરીશ. કેન્દ્ર રાહતકાર્ય અને બચાવ કામગીરીમાં દરેક સંભવ મદદ કરવા માટે પ્રતિબદ્ઘ છે.(૨૧.૨૪)

(3:56 pm IST)