Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

અંતિમ બે ચરણ માટે

ભાજપે બદલી રણનીતિ : પીએમ મોદી અને અમિત શાહની વધારી રેલીઓ

નવી દિલ્હી તા. ૬ : લોકસભા ચૂંટણીમાં આજે પાંચમા ચરણનું મતદાન થઈ રહ્યું છે. આજે ૭ રાજયોની ૫૧ સીટો પર મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન અહેવાલ મળી રહ્યા છે કે અંતિમ બે ચરણો માટે ભાજપે ચૂંટણી પ્રચાર માટે નવેસરથી પ્લાન તૈયાર કર્યો છે. તે મુજબ પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહની રેલીઓ હવે વધારી દેવામાં આવી છે.

સૂત્રો મુજબ, આગામી ૧૦ દિવસોમાં પીએમ મોદી અને અમિત શાહ ધૂંઆધાર રેલીઓ કરવાના છે. આગામી બે ચરણમાં પીએમ મોદીની ૬ રેલીઓ વધારી દેવામાં આવી છે. વડાપ્રધાન હવે એક દિવસમાં ૩થી ૪ રેલી કરશે, જયારે અમિત શાહ એક દિવસમાં ૫થી ૬ પબ્લિક મીટિંગ કરવાના છે. હિન્દી બેલ્ટમાં પ્રચાર ઉપરાંત પીએમ મોદી અને અમિત શાહનું સમગ્ર ફોકસ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ પર રહેવાનું છે.

છઠ્ઠા ચરણમાં ૧૨ મેના રોજ ૫૯ સીટો માટે વોટિંગ થશે, જયારે સાતમા ચરણ માટે ૫૯ સીટો પર ૧૯ મેના રોજ વોટિંગ થશે. આગામી બે ચરણમાં ઉત્તર પ્રદેશમાં ૨૭ અને પશ્ચિમ બંગાળમાં ૨૫ સીટો પર વોટિંગ થવાનું છે.

ઉલ્લેખનીય છે કે, આ લોકસભા ચૂંટણીમાં મોદી સૌથી વ્યસ્ત નેતા છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે પીએમ મોદીએ ૧૨૫ દિવસોની અંદર કુલ ૨૦૦ સભાઓ/રેલીઓ કરી છે. આંકડાઓ મુજબ, ગયા વર્ષની ૨૫ ડિસેમ્બર બાદ ૧૨૫ દિવસોની અંદર તેઓએ ૨૦૦ કાર્યક્રમોમાં ભાગ લીધો. તેમાં રાજકીય તથા સરકારી કાર્યક્રમો બંને સામેલ છે. આ દરમિયાન તેઓએ ખેડૂતો, ચોકીદારો, બાળકો, યુવાઓ, વેપારીઓ, ઉદ્યમીઓ, વિદેશી પ્રતિનિધિઓને સંબોધિત કર્યા.(૨૧.૨૪)

 

(3:55 pm IST)