Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

નરેન્દ્રભાઇ સામે ઉમેદવારી પત્ર રદ થતા તેજ બહાદુર સુપ્રીમના દ્વારે

ભાજપ મને ચુંટણી લડવાથી રોકી રહી છેઃ અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરી રહ્યા છેઃ પ્રશાંત ભૂષણ કેસ લડશે

નવીદિલ્હી, તા.૬: વારાણસી લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારીપત્રક રદ થયા બાદ બરતરફ બીએસએફ જવાન તેજ બહાદુર યાદવ આ નિર્ણય વિરુદ્ઘ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે. સુપ્રીમ કોર્ટમાં તેજ બહાદુર તરફથી પ્રશાંત ભૂષણ કેસ લડશે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ચૂંટણી અધિકારીએ તેજ બહાદુર યાદવનું ઉમેદવારીપત્રક રદ કર્યું હતું.

આપને જણાવી દઈએ કે, તેજ બહાદુર યાદવ અને સમાજવાદી પાર્ટી તરફથી જે ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા હતા તેમાં તેજ બહાદુરને અર્ધ સૈનિક દળમાંથી બરતરફ કરવા અંગે અલગ-અલગ દાવાઓ કરવામાં આવ્યા હતા. આ મામલે વારાણસીના ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ (ડીએમ) અને જિલ્લા ચૂંટણી અધિકારીએ યાદવને તેમનો પક્ષ રજુ કરવા જણાવ્યું હતું.

તેજ બહાદુરે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ તેમને ચૂંટણી લડવાથી રોકી રહી છે. વળી, કેટલાક અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે. તેજ બહાદુરના મતે તેની ઉમેદવારીનો ખોટી રીતે અસ્વીકાર કરવામાં આવ્યો છે.

ગત સપ્તાહે પોતાનું ઉમેદવારી પત્ર રદ થયા બાદ તેજ બહાદુર યાદવે આરોપ મુકયો હતો કે, ' ભાજપના  નેતાઓએ મને ચૂંટણી નહિ લડવા રૂ.૫૦ કરોડની ઓફર આપી હતી. તેણે કહ્યું હતું કે, મેં જયારે અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારથી જ આ લોકો મારો સંપર્ક કરી રહ્યા હતા. મને એ ખબર હતી કે ભાજપ મારુ ઉમેદવારીપત્રક રદ કરાવી દેશે. હું અહીં કોઈ નેતા બનવા આવ્યો નથી'.

લોકસભા ચૂંટણી માટે શાલિનીએ કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી. ટિકિટ ન મળતાં તે કોંગ્રેસ સાથે છેડો ફાડી સમાજવાદી પાર્ટી સાથે જોડાઈ ગયા હતા. સમાજવાદી પાર્ટીએ શાલિની યાદવને અહીંથી તેમના ઉમેદવાર બનાવ્યા પરંતુ છેલ્લી ઘડીએ તેની ટિકિટ કાપીને તેજ બહાદુર યાદવને ટિકિટ આપી દીધી હતી. પરંતુ બાદમાં તેજ બહાદુરનું ઉમેદવારીપત્ર રદ થઇ ગયું હતું.

(3:54 pm IST)