Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

દેવગણભાઇ, પ્લીઝ!! બે હાથ જોડું છું, તમાકુની જાહેરાત ન કરો

મુંબઇ તા. ૬ : રાજસ્થાનનાં નાનાક્રમ નામના ૪૦ વર્ષનાં કેન્સરનાં દર્દીએ એકટર અજય દેવગણને જાહેર અપીલ કરતાં વિંનંતી કરી કે, તમાકુની જાહેરાત કરવાનું બંધ કરો. સમાજનાં હિતમાં આવી જાહેરાતો તમે ન કરો.

આ દર્દીનાં પરિવારજનોએ કહ્યું કે, નાનાક્રમ અજય દેવગણનો ચાહક છે અને અજય દેવગણ જે તમાકુની જાહેર ખબરમાં આવે છે તે ખાતો હતો. પણ હવે તેને ખબર પડી કે, તમાકું જીવનમાં કેટલી આડ અસર થાય છે અને તે હવે કેન્સરનો દર્દી છે.

મહત્વની વાત એ છે કે, તેના પરિવારજનોએ તમાકુ ન ખાવા માટે ચોપાનયાં છપાવ્યા છે અને તેમાં અજય દેવગણને ઉદ્દેશીને લખ્યું છે કે, તેણે હવે તમાકુની જાહેર ખબર ન કરવી જોઇએ. આ પરિવારે ૧૦૦૦ જેટલા ચોપાનિયાં છપાવીને તેમનાં આસપાસનાં વિસ્તારોમાં ચોંટાડ્યા છે.

નાનાક્રમનાં દિકરા દિનેશે જણાવ્યું કે, મારા પિતાજીએ થોડા વર્ષો પહેલા તમાકુનું સેવન કરવાનું શરૂ કર્યુ હતુ. અજય દેવગણ જે તમાકુને પ્રમોટ કરતો હતો તે બ્રાન્ડની તમાકુ તે ખાતા હતા. મારા પિતાજી અજય દેવગણનાં ચાહક છે. પણ જયારે તેમને કેન્સર છે તેવી ખબર પડી કે, આટલા મોટા અભિનેતાએ તમાકુની જાહેર ખબર ન કરવી જોઇએ.તેમણે છપાવેલા ચોપાનિયામાં નાનાક્રમે કહ્યું કે, દારૂ, સિગારેટ અને તમાકું લોકોની જિંદગી બરબાદ કરે છે અને એટલા માટે અભિનેતાઓએ તેની જાહેર ખબર ન કરવી જોઇએ.

નાનાક્રમને બે દિકરાઓ છે અને ચાની દુકાન ચલાવે છે. તે હવે બોલી શકતા નથી. હાલ તે, જયપુર પાસે આવેલા સાંગાનેર ગામમાં ઘરે બેઠા દૂધ વેચીને ઘરને મદદરૂપ થાય છે.

(3:51 pm IST)