Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

કાલે અક્ષયતૃતીયામાં સોનાની ખરીદી સાવચેતીપૂર્વક કરવા સલાહ

જવેલર્સ કહે છે... લોભામણી ઓફરોમાં સસ્તુ સોનુ ખરીદી કરવા જતાં કયાંક ગુણવતામાં છેતરાઇ ન જતાં: સોનાના ભાવમાં ર૦ થી ૪૦ ટકાની છૂટ શકય નથીઃ હોલમાર્ક જવેલરી સાથે ગ્રાહકે હોલમાર્કનું સર્ટી. પણ માગવું જોઇએ

મુંબઇ તા. ૬ :.. અક્ષયતૃતીયાના  દિવસને સોના-ચાંદીની ખરીદી માટે શુકનવંતો દિવસ માનવામાં આવે છે એથી આવતી કાલે અક્ષયતૃતીયના દિવસે દેશભરમાં લોકો સોનાની સૌથી વધુ ખરીદી કરતા હોય છે. આ દિવસ નજીક આવતાં જ સોનાની ખરીદી પર જવેલરો લોભામણી ઓફર જાહેર કરે છે. આ ઓફરમાં ઘરાકોએ સોનાની ગુણવતામાં છેતરાઇ ન જાય એ માટે ખરીદી વખતે સાવધાની રાખવી જરૂરી છે. આ સલાહ બીજું કોઇ નહીં પણ જવેલરો જ આપી રહ્યા છે.

વિશેષજ્ઞો કહે છે, 'જો કે આ લોભામણી ઓફર સાથે સોનાની ગુણવતામાં ઘરાકો છેતરાઇ પણ જાય છે જેનો ખ્યાલ તેમને વર્ષો પછી આવે છે. જવેલરો ઘરેણાં પર મજૂરીમાં ડિસ્કાઉન્ટ આપી શકે છે, પણ સોનાની માર્કેટના ભાવમાં ડિસ્કાઉન્ટ આપવું ગુણવતામાં ફેરફાર કર્યા સિવાય શકય નથી.'

આ સંદર્ભે માહિતી આપતાં ધ બુલિયન એન્ડ જવેલર્સ એસોસીએશન, દિલ્હીના અધ્યક્ષ યોગેશ સિંઘલે કહયું હતું કે 'દિવાળી, ધનતેરસ, ગૂઢીપડવા અને અક્ષયતૃતીયા જેવા દિવસોમાં ઇ-કોમર્સની અનેક સાઇટસ પર લોભામણી અને લલચામણી ઓફર જાહેર કરવામાં આવે છે. લોકોઆ લોભામણી ઓફરથી આકર્ષાઇને ઓનલાઇન ખરીદી કરીને પછીથી પસ્તાય છે. હંમેશાં ઘરાકોએ એક વાત પર ધ્યાન આપવું જોઇએ કે સોનાની કિંમત અને મેકિંગ-ચાર્જ સાથે ઘરાકોએ સોનું કેટલા કેરેટનું છે એની પણ જાણકારી મેળવી લેવી જોઇએ. માર્કેટના ભાવ કરતાં ઓફરના ભાવમાં વધુ અંતર હોય તો ઘરાકે સમજી જવું જોઇએ કે આમાં ચોકકસ કંઇક ગરબડ છે. સોનાના ભાવમાં ર૦ થી ૪૦ ટકાની છૂટ કોઇપણ સંજોગોમાં શકય નથી. આ ભાવ સોનાની શુધ્ધતા સામે શંકા દર્શાવે છે.  આટલો મોટો ભાવફરક છેતરપીંડી તરફ ઇશારો કરે છે. આટલી મોટી છૂટ સોનાની શુધ્ધતા પર શંકાની સોય તાકે છે.'

હોલમાર્કિંગ સામે ફરિયાદ

હોલમાર્ક એટલે શુધ્ધ સોનાની ખાતરી - ગેરન્ટી, પરંતુ છેલ્લા થોડાં વર્ષોમાં હોલમાર્ક સામે ફરીયાદ વધી રહી છે એમ જણાવતાં મુંબઇના જવેલરોએ કહયું હતું કે 'અમુક જવેલરો હોલમાર્ક સાથે પણ રમત રમી રહ્યા છે જેને પરિણામે માર્કેટમાં અન્ય જવેલરો પર ઘરાકો અવિશ્વાસ કરવા માંડયા છે. હોલમાર્ક જવેલરી સાથે ઘરાકોએ હોલમાર્કનું સર્ટીફીકેટ ડિમાન્ડ કરવું જોઇએ. જરૂર પડે તો ઘરાકોએ થોડો ખર્ચ કરીને પણ બ્યુરો ઓફ સ્ટેન્ડર્ડની લેબમાં સોનાની શુધ્ધતાની ચકાસણી કરાવી લેવી જોઇએ. આ ચકાસણીનો ખર્ચ મામૂલી છે, પણ એ ખર્ચ કરવાથી સોનાની ખરીદી પછી ભવિષ્યની ચિંતા રહેતી નથી.'

ઘરેણાં પર કેરેટના અંક

ઘરેણાં પર હોલમાર્કિંગનાં પાંચ ચિહનોમાં એક કેરેટનું પણ ચિહન હોય છે. આ બાબતની જાણકારી આપતાં જવેલરોએ કહયું હતું કે, 'ર૩ કેરેટ સોના માટે ૯પ૮,રર કેરેટ માટે ૯૧૬, ર૧ કેરેટ માટે ૮૭પ, ૧૮ કેરેટ માટે ૭પ૦, ૧૭ કેરેટ માટે ૭૦૮, ૧૪ કેરેટ માટે પ૮પ, ૯ રેકેટ માટે ૩૭પ અને ૮ કેરેટ માટે ૩૩૩ અંક છે.'

હોલમાર્કનાં પાંચ ચિહનો

બ્યુરો ઓફ સ્ટેન્ડર્ડની લેબમાંથી લાગેલા હોલમાર્કિંગ પ્રમાણે ઘરેણાં પર પાંચ ચિહનો હોય છે. પહેલો બ્યુરો ઓફ સ્ટેન્ડર્ડનો લોગો, બીજો ફિટનેસ નંબર એટલે કે કેરેટનો સંકેત, ત્રીજો માર્કિંગ સેન્ટરનો લોગો (જે લેબમાં ટેસ્ટ થયો હોય એનો), ચોથો વર્ષનો કોડ અને પાંચમો જવેલરનો લોગો અથવા તો જવેલરનો ટ્રેડમાર્ક. હોલમાર્કિંગમાં દરેક કેરેટ માટે અલગ-અલગ ફીટનેસ નંબર હોય છે.

લોભામણી ઓફરનું કારણ

શ્રી મુંબઇ જવેલર્સ એસોસીએશનના વાઇસ-પ્રેસિડન્ટ કુમાર જૈને કહયું હતું કે 'સોનાની ખરીદી માટે લોભામણી ઓફર પાછળનું કારણ ફકત સોનાની શુધ્ધતામાં છેતરપીંડી છે એ વાતમાં તથ્ય જરૂર છે, પણ અત્યારે તો અનેક જવેલરોએ અક્ષયતૃતીયા નિમિતે જાહેર કરેલી ડીસ્કાઉન્ટ-ઓફરો પાછળ નજીકના ભવિષ્યમાં આવી રહેલી મંદી પણ કારણભુત છે. અક્ષયતૃતીયા અને લગ્નની સીઝન પછી સોનાના ભાવ ઘટવાના માર્કેટમાંથી સંકેત મળી રહ્યા છે. અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ તેજી ચાલી રહી છે જે થોડા સમયમાં તૂટશે. લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી પણ સોનાના ભાવમાં ઘટાડો થશે. જેમ-જેમ પરિણામો જાહેર થશે એમ ભાવ ઘટતા જશે. આ સંજોગોમાં જવેલરો મોંઘા ભાવના સોનાનાં ઘરેણાંનો સ્ટોક ખાલી થઇ જાય એમ ઇચ્છે છે જેથી મંદીમાં તેઓ નવી ખરીદી સાથે નવો સ્ટોક જમા કરી શકે. આ કારણથી તેઓ અત્યારે અક્ષયતૃતીયા નિમિતે મોટી ઓફર જાહેર કરે છે.' (પ-૧૧)

 

(12:18 pm IST)