Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

રાહુલ - સોનિયાની મદદે માયાવતી

સપા - બસપાના કાર્યકરોને કોંગ્રેસને મત આપવા કરી અપીલ

નવી દિલ્હી તા. ૬ : બસપાના પ્રમુખ માયાવતીએ અમેઠી અને રાયબરેલીમાં મતદાનના એક દિવસ પહેલા રાહુલ તથા સોનિયા ગાંધીને વોટ આપવાની અપીલ કરીને, આ બંને સંસદીય ક્ષેત્રમાં સપા-બસપા કાર્યકર્તાઓના મનમાં જે કંઇ હિચક હતી તે દૂર કરી દીધી છે.

માયાવતીએ પાંચ મે, ૨૦૧૯ની સવારે સપા-બસપાના કાર્યકર્તાઓ માટે એક અપીલમાં જણાવ્યું હતું કે, 'અમે દેશમાં, જનહિતમાં ખાસ કરીને ભાજપ-આરએસએસવાદી તાકાતને કમજોર કરવા માટે ઉત્તર પ્રદેશમાં અમેઠી-રાયબરેલી લોકસભા સીટ કોંગ્રેસ માટે છોડી દીધી હતી, જેથી એમના બંને સર્વોચ્ચ નેતા આ સીટ પર પરીથી ચૂંટણી લડે અને આ બંને સીટમાં અટવાઇને રહી ના જાય. મને પૂરી આશા છે કે અમારા ગઠબંધનના એક એક વોટ હર હાલતમાં આ બંને કોંગ્રેસી નેતાઓને મળવાના છે.'

રાજનૈતિક વિશ્લેષકોનું માનવું છે કે માયાવતીની આ અપીલની અસર માત્ર રાયબરેલી અને અમેઠીમાં જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશની બધી સીટ પર પણ થશે. માયાવતીની આ અપીલથી લોકોમાં એવો સંદેશો ગયો છે કે સપા-બસપા અને કોંગ્રેસમાં આંતરિક સમજૂતી છે અને જયાં સપા અને બસપાના ઉમેદવાર મજબૂત છે ત્યાં કોંગ્રેસ તેમનો નબળો ઉમેદવાર ઊભો રાખીને તેમની મદદ કરી રહી છે.

(10:27 am IST)