Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

રશિયામાં વિમાન દુર્ઘટના : ૪૧ના મોત

ઇમર્જન્સી લેન્ડીંગ વખતે લાગી આગ

મોસ્કો તા. ૬ : રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવારના રોજ ઇમરજન્સી લેન્ડિંગ દરમ્યાન સુખોઇ સુપરજેટ ૧૦૦માં પેસેન્જર બેઠેલા હતા તેમાં આગ લાગતા ૪૧ લોકોના મોત થયા છે. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. આ ઘટના મોસ્કો એરપોર્ટ પર થઇ હતી. કેટલાંય પેસેન્જર વિમાનની ઇમરજન્સી સ્લાઇડ્સના માધ્યમથી બહાર નીકળ્યા, જે હાર્ડ લેન્ડિંગ બાદ ફૂલી ગયું હતું.

અકસ્માતનો શિકાર બનેલા સુખોઇ પેસેન્જર વિમાને મોસ્કો એરપોર્ટથી ઉત્તરી રૂસના મરમાંસ્ક શહેર માટે ઉડાન ભરી હતી. તેમાં ૭૩ પેસેન્જર અને ૫ ક્રૂ મેમ્બર સવાર હતા. અકસ્માતની તપાસ કરી રહેલ ટીમના પ્રવકતા સ્વેતલાના પેટ્રોન્કે એ કહ્યું કે વિમાનમાં હાલ ૭૮ લોકોમાંથી માત્ર ૩૭ લોકો જીવીત છે એટલે કે ૪૧ લોકોના મોત થયા છે.

કહેવાય છે કે ઉડાન ભરતા જ વિમાનમાં ધુમાડા ઉઠવા લાગ્યા છે. તેના પર વિમાનના ચાલક દળે એટીસીને માહિતી આપી દીધી અને વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. લેન્ડિંગ દરમ્યાન આખું વિમાન આગના ગોળામાં ફેરવાઇ ગયું. અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનમાંથી નીકળતા આગના લીધે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર આ અકસ્માતના વીડિયો પણ શેર કરાયા છે. વીડિયોમાં વિમાન આગની ઝપટમાં ઘેરાયું છે. એરપોર્ટના અધિકારીઓએ કહ્યું કે વિમન બે વર્ષ જૂનું જ હતું. અકસ્માતના કારણની ભાળ મેળવવા માટે તપાસ કરાશે.

(10:24 am IST)