Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

કારમાંથી ઉતરી રોષ ઠાલવ્યો

પોતાની સામે ભાજપના કાર્યકરોએ જય શ્રીરામના નારા લગાવતા દીદી લાલઘુમ

કલકત્તા, તા. ૬ : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. પશ્ચિમ બંગાળના ચંદ્રકોણમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીનો કાફલો પસાર થઇ રહ્યો હતો. આ દરમ્યાન બીજેપીના કેટલાક કાર્યકર્તાઓએ જય શ્રીરામના સુત્રોચ્ચાર કર્યા હતા. આ સાંભળીને મમતા બેનરજી નારાજ થઇ ગયા હતાં અને ગાડીમાંથી બહાર આવીને સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો પર ક્રોધે ભરાયા હતાં. મમતાએ બીજેપી કાર્યકર્તાઓ પર ગાળ આપવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો.

મમતાએ જણાવ્યું હતું કે 'બીજેપી જાણી જોઇને આવા લોકોને ખોટું વર્તન કરવા મોકલે છે. બીજેપીના બંગાળ એકમે પણ આ વિડીયો ટવીટર પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે, દીદી, જય શ્રીરામના નારાથી એટલા નાખુશ કેમ છે અને તેઓ આ નારાને ગાળ કેમ બતાવી રહ્યા છે.'

વિડીયોમાં હાથમાં બીજેપીના ઝંડા લઇને કેટલાક કાર્યકર્તા જય શ્રીરામના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. મમતા બેનરજીને કારમાંથી બહાર આવતા જોઇને સુત્રોચ્ચાર કરી રહેલા લોકો ત્યાંથી ભાગી જાય છે. તેમને ભાગતા જોઇને મમતા બેનરજી તેમને પડકારતા કહે છે કે શા માટે ભાગો છો, હવે સૂત્રોચ્ચાર કરો.

(10:23 am IST)