Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ઓરિસ્સામાં ફાની વાવાઝોડાને કારણે મૃત્યુઆંક 29 થયો : મોટું નુકશાન :પટનાયક સરકારે રાહત પેકેજ જાહેર કર્યું

સૌથી વધુ પ્રભાવિત પુરીમાં 70 ટકા વિસ્તારમાં તેમજ ભુવનેશ્વરના 40 ટકા વિસ્તારોમાં પાણી પુરવઠો કાર્યરત કરી દેવાયો

નવી દિલ્હી :ઓડિશામાં બે દિવસ પહેલા આવેલા ફાની વાવાઝોડાના કારણે મૃત્યુઆંક વધીને 29 થયો છે. આ આંકડાની જાણકારી ઓડિશા સરકારે આપી છે. આ વાવાઝોડાના કારણે મોટા પાયે ખુંવારી સામે આવી રહી છે. ત્યારે ઓડિશાની પટનાયક સરકારે રાહત પેકેજનું એલાન કર્યું છે. ઓડિશામાં વાવાઝોડા ફાનીના કારણે થયેલી નુકશાની સામે આવી રહી છે.

વાવાઝોડાના કારણે હજારો લોકો પાણી અને વીજળી વગર રાત-દિવસ પસાર કરી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન નવિન પટનાયકે હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું અને વાવાઝોડાથી પ્રભાવિત લોકો માટે રાહત પેકેજનું એલાન કર્યું છે. જ્યારે પુરીમાં વધારે ખુવારી થઈ છે. પુરી અને ખુર્દાના પ્રભાવિત પરિવારોને ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત મદદ પહોંચાડાશે. જેમાં 50 કિલોગ્રામ ચોખા, બે હજાર રૂપિયાની રોકડ અને પોલિથીન શીટ અપાશે

     ઓડિશા સરકારનો દાવો છે કે સૌથી વધુ પ્રભાવિત પુરીમાં 70 ટકા વિસ્તારમાં તેમજ ભુવનેશ્વરના 40 ટકા વિસ્તારોમાં પાણી પુરવઠો કાર્યરત કરી દેવાયો છે. રાજ્ય સરકારે આગામી 15 દિવસો માટે નિઃશુલ્ક ભોજન ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરી છે. તદઉપરાંત મિશન સ્તરે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ ચલાવાશે. જ્યારે રાજ્ય સરકારે વીજ પુરવઠો કાર્યરત થવા અંગે કોઇ નક્કર માહિતી આપી નથી. સૌથી વધુ જાનમાલનું નુકસાન પુરીમાં થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ રેલ્વેએ હાવડા-ચેન્નાઇ રૂટ પર આંશિક રીતે રેલ્વે વ્યવહાર શરૂ કરી દીધો છે.

(12:00 am IST)