Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

કોંગ્રેસને પોતાની તાકાત પર બહુમતી નહીં મળે : કપિલ સિબ્બલ

કપિલ સિબ્બલના નિવેદનથી કોંગ્રેસમાં સોંપો : ભાજપને ૧૬૦થી વધુ બેઠક નહીં મળે : કપિલ સિબ્બલનો દાવો

નવી દિલ્હી, તા. ૫ : લોકસભા ચુંટણીમાં હજુ ત્રણ તબક્કા માટે મતદાન બાકી છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આજે કહ્યું હતું કે તેમની પાર્ટીને બહુમતી મળવાની શક્યતા બિલકુલ નથી. એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પોતાની તાકાત ઉપર સરકાર બનાવી શકશે નહીં પરંતુ કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ગઠબંધનની સરકાર બની શકે છે. સિબ્બલે કહ્યું હતું કે જો કોંગ્રેસને સામાન્ય ચુંટણીમાં ૨૭૨ સીટો મળે છે તો રાહુલ ગાંધીને વડાપ્રધાન માટે પસંદ કરવા જોઈએ. જોકે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું છે કે લોકો આ વખતે મોદી સરકારને બહાર કરશે. યુપીએ ગઠબંનને બહુમતી મળવાની સ્થિતિમાં પીએમને લઈને નિર્ણય ચુંટણી બાદ કરાશે.

 જાણિતા વકીલ અને દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાથી બચવાના પ્રયાસ પર કહ્યું હતું કે કોંગ્રેસને ૨૭૨ સીટ મળશે તો કોઈ ખચકાટ રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે ભાજપને આ વખતે ૧૬૦ કરતા વધુ સીટો મળશે નહીં. સિબ્બલે કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે અમને બહુમતી મળી શકે તેમ નથી પરંતુ અમને માહિતી છે કે ભાજપને પણ બહુમતી મળશે નહીં. અમને બહુમતી મળવાની શક્યતા દેખાતી નથી તેવું નિવેદન કરીને કપિલ સિબ્બલે કોંગ્રેસની છાવણીમાં ચિંતા જગાવી છે. સપા અને બસપાની સાથે રહેવાના મુદ્દે સિબ્બલે કહ્યું હતું કે ચુંટણીમાં યુપીએના નેતૃત્વમાં મહાગઠબંધન આગળ વધશે. જરૂર પડશે તો ગઠબંધનને વિસ્તાર આપવામાં આવશે.

(12:00 am IST)