Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ઇઝરાયેલ : હમાસના ૧૨૦ સ્થળ પર ફરી હુમલા કરાયા

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે ફરી ખેંચતાણ શરૂ : ગાઝાથી હમાસના આતંકવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા બાદ ઇઝરાયેલની જોરદાર જવાબી કાર્યવાહી થઇ

જેરૂસલેમ,તા.૫ : ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ફરી એકવાર તંગદિલી વધી ગઈ છે. હમાસના ત્રાસવાદીઓ દ્વારા ભીષણ હુમલા કરવામાં આવ્યા બાદ ઈઝરાયેલે તરત જ કાર્યવાહી કરીને હમાસના ૧૨૦ સ્થળો પર હુમલા કર્યા છે. હમાસ આતંકવાદીઓએ ૨૦૦ જેટલા રોકેટ અગાઉ ઝીંક્યા હતા. ઇઝરાયેલની કાર્યવાહીમાં એક ગર્ભવતી અને તેની ૧૪ માસની દીકરી સહિત ૪ લોકોનાં મોત થયા છે. ગાઝા તરફથી કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ વધવાની આશંકા છે. હમાસ આતંકી સંગઠનનો ગાઝા પટ્ટી પર કબજો છે. હમાસ ઇઝરાયેલ સાથે યુદ્ધવિરામમાં વધુ છૂટ ઈચ્છે છે. ઇઝરાયેલે કહ્યું, પેલેસ્ટાઈન તરફથી ૨૦૦ રોકેટ છોડવામાં આવ્યા. જેને જવાબ આપવા માટે અમારા એર ડિફેન્સે પણ અનેક મિસાઈલ છોડી. ઇઝરાયેલી સેનાના જણાવ્યા મુજબ અમારી ટેન્ક અને વિમાનોએ જવાબી કાર્યવાહી કરતાં આતંકીઓના ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં. સેનાના પ્રવક્તા જોનાથન ફોનરિક્સ મુજબ ઈસ્લામિક જેહાદી સંગઠનના એક સુરંગને પણ નિશાન બનાવવામાં આવી. આ સુરંગ દક્ષિણી ગાઝાથી ઇઝરાયેલી સુધીની હતી. ઈસ્લામિક જેહાદને હમાસનું સહયોગી માનવામાં આવે છે. કોનરિક્સે વધુમાં કહ્યું કે આવનારા સમયમાં અમે ગાઝામાં આક્રમક કાર્યવાહી કરીશું. વાયુસેનાની પણ મદદ લઈશું, પરંતુ નિશાન પર માત્ર સૈન્ય ઠેકાણાંઓ જ રહેશે. ગાઝાના હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું કે ઇઝરાયેલના હુમલામાં ૧૪ મહિનાની બાળકી અને તેની ગર્ભવતી માનું મોત થયું છે. જ્યારે કે ૧૭ લોકો ઘાયલ થયા છે. જેના પર ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે અમને કોઈ પણ બાળક માર્યું ગયું હોય તેની સુચના નથી. સેનાએ માત્ર સૈન્ય ઠેકાણાંઓ પર જ હુમલાઓ કર્યા હતા. ઇઝરાયેલ પર રોકટ છોડવાની જવાબદારી ઈસ્લામિક જેહાદે લીધી છે.

(12:00 am IST)