Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ફેની : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે વાર પ્રયાસ છતાંય મમતા બેનર્જીએ વાત ન કરી

છેલ્લે રાજ્યપાલ સાથે સીધી રીતે વાત કરાઇ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવાનુ મમતા બેનર્જીએ ટાળ્યુ : પીએમઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો : નવો વિવાદ સપાટી પર

નવી દિલ્હી,તા.૫ : ફેની વાવાઝોડાની સ્થિતિને લઈને પણ મોટો વિવાદ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેની વાવાઝોડાના સંદર્ભમાં બંગાળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરવાના સતત પ્રયાસ કર્યા હોવા છતાં મમતા બેનર્જીએ બહાનાબાજી કરીને વાતચીત ન કરતા અંતે વડાપ્રધાને સીધી રીતે બંગાળના રાજ્યપાલ સાથે વાતચત કરીને ફેની વાવાઝોડા બાદ ઉભી થયેલી સ્થિતિના સંદર્ભમાં માહિતી મેળવી હતી. આ સંદર્ભમાં પીએમઓ તરફથી આજે ખુલાસો કરાયો હતો. બીજ બાજુ ટીએમસીએ મોદી સરકાર ઉપર બંધારણીય માળખાનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે. આજે રવિવારે પીએમઓના સૂત્રોના અહેવાલથી કહેવામાં આવ્યું હતું કે સ્ટાફ દ્વારા પહેલી વખત મુખ્યમંત્રીને ફોન કર્યો તો કહેવાયું કે તેઓ મુલાકાત માટે ગયા છે. બીજી વખત જણાવવામાં આવ્યું કે મમતા બેનર્જી વડાપ્રધાન સાથે વાત કરશે. પીએમઓનું આ નિવેદન મીડિયા રિપોટ્સ પછી આવ્યું છે, જેમાં કહેવાયું હતું કે વડાપ્રધાન મોદીએ સીધી જ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી સાથે વાત કરવાથી ટીએમસીએ નારાજગી દાખવી હતી. તૃણુમૂલે દાવો કર્યો હતો કે વડાપ્રધાન વાવાઝોડાં બાદ માત્ર ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાત કરી, બંગાળના મુખ્યમંત્રીને કોઈ જ ફોન કર્યો ન હતો.પીએમઓ મમતા બેનર્જીની પાર્ટીના આ દાવાને ખોટાં ગણાવ્યા હતા.  તૃણુમૂલના મહાસચિવ પાર્થ ચેટર્જીએ કહ્યું હતું, નરેન્દ્ર મોદીએ સંઘીય વ્યવસ્થાનું અપમાન કર્યુ છે. તેઓએ વાવાઝોડાંથી થયેલાં નુકસાનની જાણકારી માટે મુખ્યમંત્રી સાથે વાત કરવાનું ટાળી સીધી જ રાજ્યપાલ સાથે વાત કરી હતી. આ બંધારણીય વ્યવસ્થાને નબળું પાડવા જેવી વાત છે. તેઓએ રાજ્યપાલને એક વડાપ્રધાન નહીં પણ ભાજપના નેતા તરીકે ફોન કર્યો હતો. મોદી કઈ રીતે જનાદેશને અવગણી શકે છે? મમતાબેનર્જી ચૂંટાયેલા મુખ્યમંત્રી છે. પીએમનું આવું કરવું દુર્ભાગ્યપૂર્ણ છે. શનિવારે મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે તેઓએ ઓરિસ્સાના મુખ્યમંત્રી સાથે વાત કરી વાવાઝોડાંની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેઓ સોમવારે ઓરિસ્સાની મુલાકાતે જશે. કેન્દ્ર સરકાર દરેક સંભવ મદદ માટે ઓરિસ્સાની સાથે છે. બંગાળના રાજ્યપાલ સાથે પણ વાત કરી હતી, લોકોને થયેલી ક્ષતિ માટે કેન્દ્ર સરકાર મદદ માટે તૈયાર છે. મમતા બેનર્જી અને નરેન્દ્ર મોદી વચ્ચે લોકસભા ચુંટણીને લઈને હાલમાં આક્ષેપબાજીનો દોર ચાલી રહ્યો છે. હવે ફેની બાદ સુરક્ષા પાસાને લઈને પણ સામ સામે આક્ષેપબાજી શરૂ થઈ છે.

(12:00 am IST)