Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

રાજીવગાંધી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ રાહુલગાંધીના વળતા પ્રહાર

કોંગ્રેસ-ભાજપ વચ્ચે શાબ્દિક જંગ વધારે તીવ્ર : આપના બધા કર્મ આપનો ઇન્તજાર કરી રહ્યા છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાહુલગાંધીના વળતા પ્રહારો : લડાઇ ખતમ થયાનો દાવો

નવી દિલ્હી,તા.૫ : રાજીવ ગાંધીના નિવેદનને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ હવે ચરમ સીમા પર પહોંચી ગયુ છે. સામ સામે આક્ષેપોનો દોર જારી રહ્યો છે. આજે કોંગ્રેસ તરફથી આક્ષેબાજીનુ નેતૃત્વ રાહુલ ગાંધીએ કર્યુ હતુ. જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી નેતૃત્વ ભાજપના ટોપ નેતાઓ દ્વારા કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજવ ગાંધી પર પ્રહારો કરતા કહ્યુ હતુ કે તેઓ મિસ્ટર ક્લીનની ઇમેજ લઇને આવ્યા હતા. પરંતુ ભ્રષ્ટાચારી નંબર વન તરીકે તેમના જીવનકાળની પુર્ણાહુતિ થઇ હતી. આજે મોદીના પ્રહારો બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી પર પ્રહારો કરતા કહ્યુ હતુ કે મોદીના કર્મ તેમનો હવે ઇન્તજાર કરી રહ્યા છે. શનિવારના દિવસે પણ મોદીએ રાજીવ ગાંધીના નામનો ઉલ્લેખ કરીને પ્રહારો કર્યા હતા. મોદીએ તેમના સંબોધનમાં કહ્યુ હતુ કે રાજીવ ગાંધીને તેમના રાજ દરબારી લોકોએ ગાજા બ્વાજા સાથે મિસ્ટર ક્લીન તરીકેની છાપ ઉભી  કરીને બેસાડી દેવામાં આવ્યા હતા. પરંતુ ટુંકા ગાળામાં જ તેમના ભ્રષ્ટાચારી તરીકેની છાપ દુનિયાભરમાં થઇ ગઇ હતી. ભ્રષ્ટાચારી નંબર વન તરીકેની છાપ સાથે તેમના જીવનની પુર્ણાહુતિ થઇ હતી. નામદારને તેમના અહંકાર જ ખાઇ જશે. મોદીએ તેમના આક્ષેપમાં કહ્યુહતુ કે દેશના લોકો કોઇ ભુલને માફ કરી શકે છે પરંતુ વિશ્વાસઘાતને ક્યારેય માફ કરી શકે તેમ નથી. મોદીના નિવેદન અને ત્યારબાદ રાહુલના વળતા પ્રહારો બાદ શાબ્દિક યુદ્ધની સ્થિતી વધારે ગંભીર બની ગઇ છે. ભાજપે બોફોર્સ સોદાબીજા અને ક્વાત્રોચીનો ઉલ્લેખ કરીને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની અવધિને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. બીજી બાજુ ભાજપના નેતા અને કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યુ હતુ કે રાહુલ ગાંધી એક ઇમાનદાર વડાપ્રધાનને ચોર કહી રહ્યા છે. હિટલર તરીકે તેમને કહેવામાં આવે છે. મોતના સોદાગર તરીકે તેમને કહેવામાં આવે છે. આજે કર્મની રાહ જોવાની વાત કરવામાં આવી રહી છે. સારા કર્મથી દેશ મોદીની રાહ જુએ છે. અમને સમજી લેવાની જરૂર છે કે રાહુલ અને પ્રિયંકા વાઢેરાની ગભરાટ કેમ રહેલી છે. જાવડેકરે કહ્યુ હતુ કે વિપક્ષના લોકો પડકારને સ્વીકાર કરવાની સ્થિતીમાં દેખાઇ રહ્યા નથી. જ્યારે વડાપ્રધાને રાજીવ ગાંધીની વાસ્તવિકતાની વાત કરી છે ત્યારે તેમનામાં દહેશત દેખાવવા લાગી ગઇ છે. રાહુલ રાફેલના ખોટા મુદ્દાને ઉઠાવવામાં આવ્યા બાદ પણ કઇ કરી શક્યા નથી. કેન્દ્રિય પ્રધાને કહ્યુ હતુ કે રાજીવ ગાંધીએ શિખ હત્યાનુ સમર્થન કર્યુ ન હતુ. ભોપાલ ગેસ દુર્ઘટનાના દોષિતોને બહાર ભગાડી દીધા ન હતા. રાહુલે કહ્યુ હતુ કે મોદીની લડાઇ હવે ખતમ થઇ ચુકી છે. પોતાની વિચારધારાને તેમના પિતા પર લાગુ કરવાની બાબત પણ મોદીને બચાવી શકશે નહીં. મોદીના પ્રહારો બાદ પ્રિયંકા વાઢેરાએ પણ ટ્વીટ કરીને કહ્યુ છે કે મોદીએ ફરી એકવાર એક પાક માનવી અને શહીદ વ્યક્તિનુ અપમાન કર્યુ છે. મોદી કોઇ પણ નિયંત્રણ વગર નિવેદન કરી રહ્યા છે. લોકસબાની ચૂંટણી માટે હજુ ત્રણ તબક્કામાં મતદાન બાકી છે ત્યારે આક્ષેપબાજીનો દોર જારી રહે તેવી શક્યતા છે. ભાજપ અને કોંગ્રેસે હાલમાં ચૂંટણીને લઇને તમામ તાકાત લગાવી દીધી છે.

(12:00 am IST)