Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

હવે એકબીજાને લડાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસન કરવા માંગે છે : માયાવતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ચિંતા કરે : માયાવતીનો આક્ષેપ : અમારા મતદારો ઈશારો સમજીને મત આપનાર સાયલેન્ટ વોટરો રહેલા છે : રાયબરેલ-અમેઠીમાં કોંગીને મતો પડશે

લખનૌ, તા. ૫ : ઉત્તરપ્રદેશની રાજનીતિ હાલના દિવસોમાં દિગ્ગજ નેતાઓના આક્ષેપબાજીના કારણે ગરમ બની ગઈ છે. માયાવતીની સાથે મોટી રમત રમવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાવા પર બસપના વડા માયાવતીએ આજે વળતા પ્રહાર કર્યા હતા. માયાવતીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે મોદી પોતાની ચિંતા કરે તે જરૂરી છે. બીજાની ચિંતા કરવાની જરૂર નથી. રાયબરેલી અને અમેઠીમાં ઉમેદવાર ન ઉતારવના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે અમારા વોટર સાયલેન્ટ વોટર છે. અમારા મતદારો ઈશારા સમજીને મતદાન કરે છે. રાયબરેલી અને અમેઠીમાં તેમના કોર મતદારો કોંગ્રેસના ઉમેદવારને જ મત આપશે. આમાં કોઈ બે મત નથી. લોકસભા ચુંટણીના પ્રચાર દરમિયાન પ્રતાપગઢમાં મોદીએ ગઈકાલે સપા અને બસપા ગઠબંધન પર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે માયાવતીની સાથે મોટી રમત રમાઈ રહી છે. ગઠબંધન ખતરામાં છે. માયાવતીએ કહ્યું છે કે ભાજપ મહાગઠબંધન તોડવા ઈચ્છુક છે પરંતુ અમે એક છીએ. મહાગઠબંનમાં કોઈપણ પ્રકારની ખેંચતાણ નથી. ભાજપ દ્વારા સતત ભાગલા પાડવાની નીતિ અપનાવવામાં આવી છે. ૨૩મી મેના પરિણામ બાદ કેન્દ્રમાં સરકાર બદલાઈ જશે. આગામી સરકાર અને તેમના વડાપ્રધાનન ચિંતા મોદી સરકાર ન કરે તો વધારે સારૂ રહેશે. મોદી પર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું હતું કે મોદી ગઠબંધનના કારણે મુશ્કેલીમાં આવી ગયા છે. અમારા ગઠબંધન ભવિષ્યમાં પણ જારી રહેશે. બસપ વડાએ કહ્યું હતું કે ૨૩મી મેના દિવસે નિરંકુશ સરકારનો અંત આવશે. પ્રજાને પણ રાહત થશે. જનવિરોધી સરકારને પ્રજા ઉખાડી ફેંકવા માટે તૈયાર છે. કોંગ્રેસની સાથે ચુંટણી લડવા પર માયાવતીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપ એકસમાન છે. મહાગઠબંધને કોંગ્રેસ સાથે કોઈ બાંધછોડ કરી નથી.

(12:00 am IST)