Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

અમે વિકાસપંથી માટેનું કલ્ચર લઈને આવ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ધડાકો­

દેશના લોકો જુદી જુદી સંસ્કૃતિને જોઈ ચુક્યા છે : ઉત્તરપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફરીવાર સપા, બસપા, કોંગ્રેસ ઉપર પ્રહારો : સર્જિકલ સ્ટ્રાઈક, મસૂદ અને અન્ય મુદ્દા ઉઠાવ્યા

ભદોહી, તા. ૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં ઝંઝાવતી પ્રચાર જારી રાખ્યો હતો. મોદીએ મહાગઠબંધન અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશમાં નામપંથી, વામપંથી, દામ અને દમન પંથી સંસ્કૃતિ લોકો જોઈ ચુક્યા છે. અમે વિકાસપંથી કલ્ચર લઈને આવ્યા છીએ. ભદોહીમાં પોતાની જનસભા દરમિયાન તેમણે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકને લઈને વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. સાથે સાથે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર પોતાના નજીકના લોકો અને બિઝનેસ પાર્ટનરોને સંરક્ષણ સોદા અપાવવાનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત સપા અને બસપાની અગાઉની સરકારો પર સમાજને જાતિ અને પંથના નામ ઉપર વિભાજિત કરવાનો આક્ષેપ કર્યો હતો. અખિલેશ અને માયાવતીના શાસનકાળમાં થયેલા કૌભાંડનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે તેમની સરકાર પર પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારનો કોઈ આક્ષેપ કરી શકાય તેમ નથી. મોદીએ કહ્યું હતું કે જ્યારે દેશના વિકાસ કરવાની ઈચ્છા શક્તિ સાથે સરકાર બનાવવામાં આવે છે ત્યારે આ રીતે પરિવર્તન જોઈ શકાય છે. અમારા દેશના સ્વતંત્રતા બાદ ચાર પ્રકારની સરકારો આવી ચુકી છે. સરકાર, રાજનીતિ અને કલ્ચરને લોકો જોઈ ચુક્યા છે. હવે વિકાસપંથી રાજનીતિ અપનાવવામાં આવી રહી છે. ડાબેરઓ જે વિદેશની વિચારધારાને ભારત પર લાગુ કરતા હતા. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના નામદારો પોતાના મિત્રોને સંરક્ષણ સોદા અપાવતા હતા. હવે તેમની હાલત કફોડી બનેલી છે. બિઝનેસ પાર્ટનરો માટે પહેલા લંડનથી દિલ્હી સુધી દોડી જતા હતા. આ લોકોને અમેઠી અને રાયબરેલીના લોકોએ પણ પોતાના ક્ષેત્રમાંથી દુર કરવા માટે સંકલ્પ કરી ચુક્યા છે. સપા અને બસપા પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે જ્યારે આ લોકોને સત્તા મળે છે ત્યારે આ લોકો શહેરોના નામ ઉપર વીજળી પુરવઠામાં મતભેદ રાખે છે પરંતુ અમે ચોવીસ કલાક તમામ લોકો માટે વીજળી વ્યવસ્થા કરવા પર કામ કરી રહ્યા છીએ. મોદીએ ભ્રષ્ટાચારને લઈને વિપક્ષની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે તેમની સરકારોમાં એમ્બ્યુલન્સ કૌભાંડ, એનઆરએચએમ કૌભાંડ, ભ્રષ્ટાચાર થતા હતા. અમને સત્તા મળી છે ત્યારે અમે અયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી ઉજ્જવલા જેવી યોજના લઈને આવ્યા છીએ અને તમામને રાહત પહોંચાડી રહ્યા છીએ.

મોદીએ ભાષણની શરૂઆતમાં કહ્યું હતું કે આજે વિશ્વભરમાં ભારતનું સન્માન થઈ રહ્યું છે. ભારતનો અવાજ સંભળાઈ રહ્યો છે. સાઉદી અરબિયાથી લઈને રશિયા સુધી દરેક ભારતને પોતાના સૌથી વિશ્વાસપાત્ર મિત્ર તરીકે ગણે છે. આ બાબત જ્યારે લોકો સુધી પહોંચે છે ત્યારે તમામને ગર્વ થાય છે. જ્યારે આતંકવાદી હુમલાના જવાબમાં સર્જિકલ સ્ટ્રાઈક થાય છે ત્યારે તમામને ગર્વ થાય છે. સરકાર યોગ્ય કરી રહી છે તેવા મત લોકોના મળે છે. ભારતે અંતરિક્ષમાં સેટેલાઈટને મિસાઈલ મારફતે ફુંકી મારી ત્યારે પણ તમામને ગર્વ થયો હતો પરંતુ સફળતા સ્વીકારવા મહામિલાવટી લોકો તૈયાર નથી. મોદીએ જૈશના લીડર મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાને લઈને દેશની મોટી સિદ્ધિ તરીકે ગણાવી હતી.

(12:00 am IST)