Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

પ.બંગાળ-કાશ્મીરમાં હિંસાઃ મતદાન દરમ્યાન ગ્રેનેડ હુમલા-દેશી બોંબ વિસ્ફોટ

૭ રાજ્યોની ૫૧ બેઠકો માટે બપોર સુધીમાં ૪૫ થી ૫૦ ટકા મતદાનઃ રાજનાથ- સોનિયા-રાહુલ-સ્મૃતિનું ભાવિ EVMમાં કેદ : પ.બંગાળમાં ભાજપ-તૃણમુલના કાર્યકરો બાખડયાઃ દેશી બોંબ વિસ્ફોટમાં ૧૫ને ઇજાઃ ૫૧ બેઠકો સાથે ૪૨૪ બેઠકોનું મતદાન પુરૃઃ હવે ૧૨ અને ૧૯મીએ મતદાન

નવીદિલ્હી તા. ૬ : આજે પાંચમા તબક્કાના મતદાનનો પ્રારંભ થયો છે. ૯ કરોડ મતદારો ૭ રાજ્યોની ૫૧ બેઠકો માટે ૬૭૪ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરી રહ્યાં છે. આજે રાજનાથ સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની વગેરે દિગ્ગજોના લક લોક થઈ રહ્યાં છે.

બપોરે ૧ સુધીમાં ૪૦ ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં યુપી ૩પ.૧પ, બિહાર ૩ર.ર૭, જમ્મુ-કાશ્મીર ૧૧.૩પ, મ.પ્રદેશ ૪ર.૭૭, રાજસ્થાન ૪ર.૬૦,  પ. બંગાળ પ૦.૭૮, ઝારખંડ ૪પ.૯૮ ટકા છે. મતદાન દરમ્યાન પ.બંગાળમાં ખૂની હિંસાના અહેવાલો છે. બનગાંવમાં મતદાન દરમ્યાન હિમલી ખાતે દેશી બોંબ ફેકવાથી ૧પ લોકોને ઇજા થઇ હતી.

પ. બંગાળના જ બૈરકપુરમાં ફરી મતદાનની માંગ થઇ છે. ભાજપે આરોપ મૂકયો છે કે મમતા ચૂંટણી હારે છે તેથી તેઓ ધાલમેલ કરી ચૂંટણી જીતવા માંગે છે ત્યાં ભાજપના કાર્યકરોની ધોલાઇ થઇ છે. મતદારોને બુથ સુધી જવા દેવાયા નથી. સારણમાં મતદાન દરમ્યાન પથ્થરમારો થયો છે તો કાશ્મીરના પુલવામા ખાતે બુથ બહાર ત્રીજો ગ્રેનેડ હુમલો થયો છે. ત્રાસવાદીઓએ ચપ્પોરા બુથની બહાર ગ્રેનેડ વિસ્ફોટ કર્યો છે. આ પહેલા પણ બે હુમલા થયા હતાં. 

સત્તાધારી ભાજપ અને તેના સહયોગી પક્ષો માટે આ બેઠકો પર વિજય મેળવવો મહત્વનો છે કારણ કે ૨૦૧૪માં તેઓ આ ૫૧માંથી ૪૦ બેઠકો પર વિજેતા રહ્યા હતા. કોંગ્રેસને અહીં માત્ર બે બેઠક મળી હતી જ્યારે તૃણમુલ કોંગ્રેસને ૨૦૧૪માં અહીં સાત બેઠકો મળી હતી.

ઉત્તર પ્રદેશમાં ૧૪, રાજસ્થાનમાં ૧૨, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં સાત - સાત, બિહારમાં પાંચ અને ઝારખંડમાં ચાર બેઠક પર મતદાન થયુ છે. જમ્મુ અને કાશ્મીરમાં લદાખ મતક્ષેત્રમાં તથા અનંતનાગ બેઠક પર પુલવામા અને શોપિયન જિલ્લામાં મતદાન થાય છે. ચૂંટણી પંચે અહીં ૯૪,૦૦૦ પોલિંગ સ્ટેશન - બુથ સ્થાપ્યા છે અને સુરક્ષાની ચૂસ્ત વ્યવસ્થા કરી છે. પાંચમાં અને સૌથી નાના તબક્કામાં કુલ ૬૭૪ ઉમેદવારો છે.

આ સાથે કુલ ૪૨૪ બેઠકો પર ચૂંટણી પૂર્ણ થશે. હવે ૧૨ અને ૧૯ મેના રોજ લોકસભાની બાકીની ૧૧૮ બેઠકો પર મતદાન થશે. ૨૦૧૪માં અહીં સોનિયા ગાંધીએ રાયબરેલી અને રાહુલ ગાંધીએ અમેઠીની બેઠક જીતી હતી. સમગ્ર રાજ્યમાં માત્ર આ બે બેઠક પર કોંગ્રેસને સફળતા મળી હતી.

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ લખનઉથી ફરીથી બીજેપીના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. તેમની સામે સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર પૂનમ સિંહા અને કોંગ્રેસના ઉમેદવાર કલકીપીઠના મહંત આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ઉભા છે. ગઈ ચૂંટણીમાં રાજનાથ સિંહ ૨,૭૨,૦૦૦ મતથી જીત્યા હતા, પરંતુ આ વખતે તેમની સામે પોતાનું માર્જિન બરોબર કેવી રીતે સચવાય ? એ તેમને માટે મોટો પ્રશ્ન રહેલો છે. છેલ્લા ત્રણ દાયકાથી આ સીટ પર બીજેપીનો કબ્જો છે. ૧૯૯૧ પછી લખનઉ સીટ પર બીજેપી અવિરતપણે જીતી રહી છે.

ગાંધી પરિવારની પરંપરાગત સીટ રાયબરેલી અને અમેઠીમાં પરિણામ બદલાઈ શકવાની સંભાવના ઓછી રહી છે. સોનિયા ગાંધી પાંચમી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમની સામે આ વર્ષે બીજેપીએ કોંગ્રેસના જ ભૂતપૂર્વ ધારાસભ્ય એમએલસી દિનેશ સિંહને ટિકીટ આપી છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ સોનિયા ગાંધી માટે કેટલા મુશ્કેલ બની શકે છે એ હવે સમય જ નક્કી કરશે.

પાંચમાં તબક્કાના ચરણમાં સૌથી મોટી કાંટાની ટક્કર જો દેખાઈ રહી હોય તો એ અમેઠીની બેઠક છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સામે બીજેપીના ઉમેદવાર સ્મૃતિ ઈરાની છે. ઉમેદવાર ઘોષિત થયા બાદ સ્મૃતિ ઈરાની અમેઠીમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને તેમને માટે બીજેપીના અધ્યક્ષ અમિત શાહે પણ રોડ-શો કર્યો હતો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત અનેક લોકોએ સભા ગજાવી છે.

હાઇવોલ્ટેજ મતદાન જારી....  રાજનાથ સહિત તમામ દિગ્ગજ દ્વારા મતદાન

નવી દિલ્હી, તા. ૬: લોકસભા ચૂંટણીના ચાર તબક્કા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સવારે ભારે ઉત્સાહ વચ્ચે સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ  પર મતદાનની શરૂઆત થઇ હતી. સવારમાં મતદાનની શરૂઆત થયા બાદ તમામ જગ્યાએ મોટી લાઇન લાગી હતી. કેટલીક જગ્યાએ સવારે પ્રમાણમાં ઓછા મતદારો દેખાઇ રહ્યા હતા જ્યારે કેટલીક જગ્યાએ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. આજે મતદાનની શરૂઆત થયા બાદ કુલ ૬૭૪ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મતદાનની સાથે સાથે નીચે મુજબ છે

-   પાંચમા તબક્કાની ચૂંટણી માટે મતદાનની શાંતિપૂર્ણ રીતે શરૂઆત થઇ

-   સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ ઉપર સવારમાં મતદાન શરૂ થયા બાદ કેટલાક મથકો પર સવારમાં જ લાંબી લાઇન લાગી

-   કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહ સહિત તમામ દિગ્ગજ દ્વારા મતદાન

-   ગરમી વધે તે પહેલા જ સવારમાં જ જાગૃત મતદારો મતદાન કરીને આવી ગયા

-   અમેઠી બેઠક પર રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાનીના ભાવિ સીલ થઇ ગયા

-   રાયબરેલીમાં સોનિયા ગાંધી પાંચમી વખત ચૂંટણી જીતવા માટે ઉત્સુક

-   સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ ઉપર કુલ ૮૭૫૮૮૭૨૨ મતદારો નોંધાયા છે

-   પાંચમાં તબક્કાની ચૂંટણી માટે ૯૬૦૮૮ પોલિંગ બુથ સ્થાપિત કરવામાં આવ્યા

-   ૧૪ ટકા ઉમેદવારો પર ગંભીર અપરાધિક મામલા નોંધાયા છે

-   પાંચમા તબક્કામાં ૧૯ ટકા ઉમેદવારો પર અપરાધિક કેસ રહેલા છે

-   પાંચમાં તબક્કામાં ભાજપના ૪૬ ટકા અને કોંગ્રેસના ૩૧ ટા ઉમેદવારો પર અપરાધિક કેસ છે

-   સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ ઉપર સવારમાં મતદાન થયા બાદ સાંજ સુધી ચાલનાર છે

-   ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશમાં તમામ સાત ચરણમાં મતદાન થશે

-   રાજસ્થાનમાં આજના મતદાનની સાથે તમામ બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે

-   વિપક્ષી દળો સતત ભગવા પાર્ટીની સામે મત વિભાજનને રોકવા માટે ઇચ્છુક

-   પાંચમા તબક્કામાં બિહારની પાંચ, મધ્યપ્રદેશની ૭, રાજસ્થાનની ૧૨, ઉત્તરપ્રદેશની ૧૪, બંગાળની સાત સીટો પર મતદાન શરૂર

-   છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપે આ તબક્કાની બેઠકો પૈકી મોટા ભાગની સીટો જીતી હતી.

-   પાંચમા તબક્કામાં સવારે ૭ વાગે મતદાન શરૂ થયા બાદ સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે

-   પાંચમા તબક્કાની ચૂટણીમાં અનેક મોટા માથાના ભાવિનો ફેંસલો થઇ રહ્યો છે

-   હજુ સુધી ચાર  તબક્કામાં મતદાન પરિપૂર્ણ કરવામાં આવી ચુક્યું છે

-   જેમાં ૩૭૩ સીટ પર લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા પરિપૂર્ણ થઇ ચુકી છે

-   આજે મતદાનની સાથે ૪૨૫  સીટ પર મતદાન માટેની પ્રક્રિયા પરિપૂર્ણ થશે

-   ચૂંટણી પંચ દ્વારા તમામ જગ્યાઓએ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે

-   તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ

-   તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે

-   આ વખતે સામાન્ય ચૂંટણીમાં  કુલ સાત તબક્કાની ચૂંટણીમાં કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે

-   ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે

-   ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે. છેલ્લી ચૂંટણીમાં ૮૧ કરોડ મતદારો હતા. આ વખતે દેશભરના ૯૩.૩ ટકા મતદારોની પાસે ઓળખપત્ર રહેલા છે

-   ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી

-   છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં સાત એપ્રિલના દિવસે પ્રથમ રાઉન્ડ માટે મતદાન થયું હતું જ્યારે ૧૨મી મેના દિવસે અંતિમ રાઉન્ડ માટે મતદાન યોજાયું હતું. ૧૬મી મેના દિવસે વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા

-   પાંચમા તબક્કામાં ૬૭૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

(4:04 pm IST)