Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ઇ-વે બિલના વિવાદોથી વેપારી આલમ પરેશાન

GST કચેરી અપીલના કેસો ન ચલાવતી હોવાથી વેપારીઓની કરોડોની બેન્ક ગેરેન્ટી અટવાઇ

ઇ-વે બિલમાં નાની અમથી ભૂલ હોય તો પણ માલ પર લાગતા ટેકસ જેટલી પેનલ્ટી કરી વેપારીઓને દબાવતા અધિકારીઓ

નવી દિલ્હી, તા.૬: ગુડસ એન્ડ સર્વિસ ટેકસની સિસ્ટમમાં માલની હેર ફેર કરવા માટે લેવા પડતા ઇ-વે બિલમાં ટ્રક નંબર કે અન્ય કોઇ વિગતમાં નાની અમથી ભૂલ થઇ ગઇ હોય તો ગુડસ એન્ડ સર્વિસ ટેકસ એકટની કલમ ૧૨૫ કે કલમ ૧૨૬ રૂ.૧૦૦૦ થી રૂ.૫૦૦૦ સુધીની પેન્લ્ટી કરવાને બદલે સ્ટેટ જીએસટીના અધિકારીઓ કલમ ૧૨૯ હેઠળ માલ પર ભરવાના થતાં ટેકસ જેટલી જ પેનલ્ટી લગાડીને તેમને માથે જંગી રકમનો બોજો ઉભો કરી રહ્યા છે. બીજી તરફ આ કેસમાં વેપારીઓ તેની સામે અપીલમાં ગયા હોય તો અપીલના કેસ જ ચલાવવામાં આવતા નથી. પરિણામે વેપારીઓના કરોડો રૂપિયા અટવાયેલા રહયા છે.

ગુડસ એન્ડ સર્વિસ ટેકસના કેસોમાં સપડાયેલા વેપારીઓનું કહેવું છે કે રાજયોની બહાર માલ વેચ્યો હોય તે વેપારી પાસેથી આઇજીએસટી લેવામાં આવે છે. પરંતુ આ કેસમાં ભૂલથી એસજીએસટી લખાઇ ગયું હોય અને અન્ય રાજયના વેપારીનો ટીન નંબર સાચો હોય તેવા કિસ્સામાં પણ વેપારીઓની સહજ ભૂલ સમજીને તેને માટે કલમ ૧૨૫ અને કલમ ૧૨૬ હેઠળ રૂ.૧૦૦૦ થી રૂ.૫૦૦૦નો દંડ કરવાને બદલે માલની કિંમત પ્રમાણે લાગતા જીએસટીની રકમ જેટલી જ પેનલ્ટી લગાડી દેવામાં આવે છે.

વેપારીની જેન્યુઇન ભૂલને પણ ખાતાના અધિકારીઓ તેમને મોટી રકમનો દંડ કરીને અપીલના કેસો વધારી રહયા છે. અપીલના આ કેસોમાં ડીપાર્ટમેન્ટ હારી જવાની ધાસ્તી હોવાથી જ તેઓ અપીલના કેસો પણ ત્રણ વર્ષથી ચલાવતા જ નથી. પરિણામે વેપારીઓના ટેકસ-પેનલ્ટી પેટે વસૂલી લેવામાં આવેલા લાખો-કરોડો રૂપિયા અટવાયેલા પડયા રહે છે.

વેપારીઓનું કહેવું છે કે રસ્તામાં ગાડી બંધ પડી જાય અને તેની મરામત કરાવવી પડે તેવા સંજોગોમાં ગાડી ૬ કલાક પણ તેના ડેસ્ટિનેશન પર મોડી પહોંચે તો તેવા કિસ્સામાં પણ સ્ટેટ જીએસટીના અધિકારીઓ કલમ ૧૨૯ હેઠળ ટેકસ જેટલી જ રકમની પેનલ્ટી લગાડી દે છે. નિકાસ માટે કુરિયર મારફતે રવાના કરેલા માલના શિપિંગના કાગળો હોવા છતાંય સ્ટગ જીએસટીના અધિકારીઓ તે માન્ય રાખતા નથી. જોઇન્ટ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની સૂચનાથી ચાલતા અધિકારીઓને ૧૨૯ કલમ સિવાય અન્ય કોઇ જ કલમ મુજબ દંડ ન કરવાની સૂચના આપવામાં આવી હોય તેવી સ્થિતિ છે. જીએસટીના અધિકારીઓની આ જબરદસ્તી સામે અપીલમાં જઇને વેપારીઓ કેસ કરે છે તો પણ તેમના કેસ ચલાવવામાં આવતા નથી. છેલ્લા ત્રણ વર્ષમાં અપીલના જૂજ કેસો ચાલ્યા હોવાનું જોવા મળે છે. મોટા ભાગના કેસો પેન્ડિંગ જ છે.

(10:41 am IST)