Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

ભારતની સંજીતા ચાનુને ગોલ્ડ-દિપક લાઠરેને બ્રોન્ઝ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વેઈટ લીફટરોનો સતત બીજા દિવસે શાનદાર પ્રદર્શન જારી : બે ગોલ્ડ - એક સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે ભારત ટોપ ફાઇવમાં: સંજીતા અને દિપક ઉપર દેશવાસીઓ દ્વારા અભિનંદનવર્ષા

ગોલ્ડકોસ્ટ, તા. ૬ : કોમનવેલ્થ ગેમ્સમાં બીજા દિવસે પણ ભારતની શરૂઆત ખૂબ જ સારી થઈ છે. મણીપુરની સંજીતાએ વેઈટલીફટીંગમાં ખૂબ જ શાનદાર પર્ફોર્મન્સ કરી ભારતને વધુ એક ગોલ્ડમેડલ અપાવ્યો છે. ૫૩ કિ.ગ્રા.ની વિમેન્સ કેટેગરીમાં ચાનુએ ગોલ્ડમેડલ જીત્યો છે. આ અગાઉ ગઈકાલે મીરાબાઈ ચાનુએ ગોલ્ડ અને ગુરૂરાજાએ સિલ્વર મેડલ જીતાડી ભારતને લીડ અપાવી હતી. દરમિયાન વેઈટલીફટર દિપક લાઠરેએ પણ બ્રોન્ઝ મેડલ જીતી ભારતને ગૌરવ અપાવ્યુ છે. ભારત બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયુ છે.

ચાનુએ પણ ૮૪ કિ.ગ્રા.નું વજન ઉપાડી રેકોર્ડ બનાવ્યો હતો. તેના ૧૯૨ અંક સાથે તે ટોચ ઉપર રહી હતી. જયારે પાપુઆ ન્યુગીનીની લાઉ ડિકા તાઉને સિલ્વર મેડલ મળ્યો. જેણે ૧૮૨ અંક મેળવેલ. જયારે કેનેડાની રચેલ લેમ્લાંગે ૧૮૧ પોઈન્ટ સાથે બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.

આ અગાઉ ગઈકાલે વેઈટ લીફટર મીરાબાઈ ચાનુએ વુમન્સ વેઈટલીફટીંગમાં ૪૮ કિ.ગ્રા.માં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો. ભારતે અત્યાર સુધીમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલની સાથે ત્રીજા સ્થાને આવી ગયુ છે.

સંજીતા ચાનુએ ૨૦૧૪માં ગ્લાસ્ગોમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ૪૮ કિ.ગ્રા.માં પણ ભારતને ગોલ્ડ અપાવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટમાં આજે બીજા દિવસે પણ ભારતની શરૂઆત સારી રહી હતી. વેટ લીફટીંગમાં ભારતીય ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કરીને વધુ એક મેડલ ભારતને અપાવ્યો છે. વેઈટલીફટીંગમાં ભારતના દિપક લાઠરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. દિપક ગોલ્ડ મેડલ જીતી જાય તેવી શકયતા હતી. પરંતુ અંતિમ પ્રયત્નમાં તે ૧૭૫ કિલોનું વજન ન ઉપાડી શકયો. દિપકે કુલ ૨૯૫ કિલો વજન ઉપાડ્યુ હતું.

જયારે ભારતીય મહિલા હોકી ટીમે પુલ એના તેમના બીજા ટેસ્ટમાં મલેશીયાને ૪-૧થી હરાવી દીધુ છે. પહેલા મેચમાં વેલ્સને હરાવીને ભારતીય ટીમે શાનદાર કમબેક કર્યુ છે. મેડલ જીતવા માટે ભારત માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી હતી.

ભારત ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર તેમજ એક બ્રોન્ઝ મેડલ મેળવવાના સ્થાનમાં ત્રીજા ક્રમે પહોંચી ગયુ છે. ઈંગ્લેન્ડ ૬ ગોલ્ડ અને ઓસ્ટ્રેલિયા ૫ ગોલ્ડ સાથે પહેલા અને બીજા ક્રમે છે.

સંજીતા ગરીબ પરિવારમાંથી આવે છેઃ તેના ભાઈ કરતાં વધુ લાકડીનો ભારો ઉપાડતી

નવીદિલ્હીઃ સંજીતા ચાનુએ માત્ર ૧૨ વર્ષની વયે પોતાની કલાનો પરીચય આપી દીધો હતો. જયારે તે તેના ભાઈ કરતાં વધુ લાકડીનો ભારો ઉપાડી લેતી હતી. ૨૩ વર્ષની વયે ગોલ્ડ કોસ્ટમાં ૪૮ કિ.ગ્રા.ના રેકોર્ડ બનાવી ગોલ્ડ મેળવ્યો હતો. ઈમ્ફાલથી ૨૦ કિ.મી. દુર નોંગપોક કાકચીંગ નામના ગામડામાં ગરીબ પરિવારમાં જન્મેલી ચાનુ છ ભાઈ- બહેનોમાં સૌથી નાની મીરાબાઈ તેનાથી ચાર વર્ષ મોટા ભાઈ સાથે પણ ડોમાં લાકડી વિણવાનું કામ કરતી હતી. તેના ભાઈ સાંતોમ્બાએ કહ્યું કે એક દિવસ હું લાકડીઓનો ભારો ઉપાડી ન શકયો પણ એ જ લાકડીનો ભારો મીરાએ આસાનીથી ઉપાડી લીધી. ત્યારે તે ૧૨ વર્ષની હતી.

દિપક લાઠરે ૧૨ વર્ષની ઉંમરે ૫૦ કિલોનો ઘાસનો ભારો ઉપાડી લેતો

નવી દિલ્હી : કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલીફટીંગમાં ૬૯ કિ.ગ્રા.માં બ્રોન્ઝ મેડલ મેળવનાર દિપક લાઠરના પિતા બીજેન્દ્ર લાઠરે કહ્યુ કે દિપક નાનપણથી જ વજન ઉપાડવામાં મજબૂત છે. ૧૨-૧૩ વર્ષની ઉંમરે ૫૦ કિલોનો ઘાસનો ભારો ઉપાડી લેતો હતો. જો કે મારે એ જ ભારો ઉપાડવા બીજાનો સહારો લેવો પડતો હતો. ૨૦૦૯-૧૦માં ધો.૫ની પરીક્ષા પાસ કર્યા બાદ આર્મી સ્પોટ્ર્સ ઈન્સ્ટીટ્યુટ - પુનામાં સિલેકશન થયુ હતું. પુનામાં વિદેશી કોચ જયોર્જ ગુબલાએ તેનો મેડીકલ ટેસ્ટ લીધો અને તેને વેઈટલીફટીંગમાં જોડાવા સલાહ આપી. કોચે આ દરમિયાન દિપકને કહ્યુ કે ખૂબ મહેનત અને પ્રેકટીસ કરીશ તો એક દિવસ મોટો વેઈટલીફટર બનીશ.

(6:33 pm IST)