Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

કિડનીને રોગથી બચાવવા ખોરાકમાં નમક ઓછું અને પાણી વધુ પીઓ...

તા. ૯ માર્ચ.... વિશ્વ કિડની દિવસ : કિડની ફેઈલ થવા પાછળ પથરી, ડાયાબીટીસ, બ્‍લડ પ્રેશર - સ્‍થુળતા સહિતના અનેક કારણો જવાબદાર

વિશ્વમાં કિડની સંબંધિત બિમારીથી પીડીત લોકોની સંખ્‍યા સતત વધી રહી છે, સાથે જ કિડની ફેઈલ થાય છે ત્‍યારે રોગ મટી શકે તેવી કોઈ જ સારવાર ઉપલબ્‍ધ નથી. દરેક દર્દીએ કાયમી ડાયાલીસીસ અથવા કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ જેવા અત્‍યંત ખર્ચાળ સારવારમાં જવું પડે છે. ભારતમાં એક કરોડથી વધુ લોકો કિડનીની બિમારીથી પીડાય છે અને તેની સારવાર મોટાભાગના લોકોની પહોંચની બહાર હોય છે. આ કારણોસર કિડનીના રોગ અટકાવવા એ એક જ કિડની બચાવવાનો સરળ ઉપાય છે અને તે માટે જનજાગૃતિ જરૂરી છે.

દર વર્ષે ‘વિશ્વ કિડની દિવસ' કોઈને કોઈ ધ્‍યેય સાથે માર્ચ મહિનાના બીજા ગુરૂવારે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સામાન્‍ય લોકોમાં કિડની અંગેની જાગૃતિ ફેલાવવા અને સંભવિત જોખમોથી કિડનીને બચાવવાની સમજણ આપવા અને દર્દીઓને વહેલાસર નિદાન માટે પ્રોત્‍સાહિત કરવા માટે સમગ્ર વિશ્વમાં જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવે છે.

આ વર્ષનું ધ્‍યેય

‘વિશ્વ કિડની દિવસ'ના આ વર્ષના ધ્‍યેયમાં સામાજીક ઈમરજન્‍સી જેવી કે કોવિડ, ધરતી કંપ, દુષ્‍કાળ, સુનામી જેવી અણધારી આવી પડતી આફતોમાં કિડની રોગ જેવા કે નોન કોમ્‍યુનિકેબલ રોગના દર્દીઓને તુરંત સારવાર મળી રહે તેવુ આયોજન કરવું. આવા સમયે જરૂરી તમામ તબીબી સહાયતા તાત્‍કાલીક પહોંચાડવાની વ્‍યવસ્‍થા ગોઠવવી અને ભવિષ્‍યમાં તેમને તાત્‍કાલીક સારવાર મળી રહે તેવુ આયોજન કરવું.

કિડનીના રોગના મુખ્‍ય લક્ષણો

કિડનીના રોગના દર્દીને સામાન્‍ય રીતે ખબર પડે ત્‍યારે ૯૦% કિડની ખરાબ થઈ ગઈ હોય છે. તેથી કિડનીના રોગના વધુ જોખમવાળા લોકોએ કિડની અંગે તપાસ નિયમીત કરાવવી જોઈએ.

પેશાબના પ્રમાણમાં ઘટાડો કે વધારો અને રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડે.  આંખ અને મોઢા પર સોજા

 

આવે. પડખામાં દુઃખાવો થાય, ઉંઘવામાં તકલીફ, માથાનો દુઃખાવો, હાંફ ચડવી, ઉલ્‍ટી, ઉપકા, ખરાબ શ્વાસ, લોહીનું ઉંચુ દબાણ, ડાયાબીટીસ.

વધુ જોખમવાળા દર્દીઓ

ડાયાબીટીસવાળા દર્દીઓ, બ્‍લડપ્રેશરવાળા દર્દીઓ, ધુમ્રપાન કરતા લોકો, કુટુંબમાં કોઈને કિડની ફેઈલ થયેલ હોય તેવા લોકો, વધુ પડતુ વજન - જાડાપણું આવા લોકોએ નિયમીતપણે ડોકટર પાસે કિડનીની તપાસ કરાવવી જોઈએ.

કિડની સ્‍વસ્‍થ રાખવા માટેના આઠ સુવર્ણ સુચનો

(૧) એકટીવ રહો - ફીટ રહો : નિયમીત કસરત, યોગ અને ધ્‍યાનથી શરીર સ્‍વસ્‍થ રહે, શરીરમાં સુગર અને બ્‍લડ પ્રેશર નિયમીત રહે અને વજન પણ નિયંત્રીત રહે અને એટલે કે કિડનીના દિવસે લોકોને નિયમીત કસરત,  ચાલવાનું, સાયકલીંગ અને દોડવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવે છે.

(૨) તમારા બ્‍લડ સુગરને કાબુમાં રાખો : કિડનીને બચાવવા માટે બ્‍લડ સુગર નિયંત્રીત રાખવુ જરૂરી છે. ડાયાબીટીસના દર્દીઓએ કિડનીની તપાસ નિયમીત કરાવતા રહેવુ જોઈએ.

(૩) તમારા બ્‍લડ પ્રેશરને નિયંત્રીત રાખો : સામાન્‍ય રીતે તંદુરસ્‍ત વ્‍યકિતનું બ્‍લડ પ્રેશર નિયમીત રાખવાથી ૧૨૦/૮૦ મી.મી., મરકયુરી હોય છે. બ્‍લડ પ્રેશર નિયમીત રાખવાથી કિડનીને બગડતી અટકાવી શકાય છે.

(૪) તમારા વજનને નિયંત્રીત આહાર : દરેક વ્‍યકિતએ જંક ફૂડથી દૂર રહેવું જોઈએ. હેલ્‍ધી ફૂડનો આગ્રહ રાખવો જોઈએ, ખોરાકમાં નમકનું પ્રમાણ ઓછું કરવુ જોઈએ.

(૫) ખૂબ પાણી પીઓ : દિવસમાં ૩ થી ૪ લીટર જેટલુ પાણી - પ્રવાહી પીવુ જોઈએ. આમ કરવાથી કિડનીને શરીરમાંનો કચરો બહાર કાઢવામાં સરળતા રહે છે અને કિડનીમાં પથરી થવાના જોખમમાં પણ ઘટાડો થાય છે.

(૬) ધુમ્રપાનથી દૂર રહો : ધુમ્રપાનથી કિડનીમાં લોહી પરીભ્રમણમાં મુશ્‍કેલી થાય છે અને કિડની બગડે છે. કિડનીમાં કેન્‍સરનું પ્રમાણ પણ વધે છે.

(૭) ડોકટરની સલાહ વગર દવાઓ લેવી નહિં : ડોકટરની સલાહ - ચિઠ્ઠી વગર દવાઓ ન લેવી જોઈએ. બિનજરૂરી અને બિનસલાહ દુઃખાવાની દવાઓ લાંબા સમય માટે લેવાથી કિડની ખરાબ થાય છે.

(૮) નિયમીત કિડનીનું ચેકઅપ કરાવોઃ કિડનીની બિમારી અંગેનું નિદાન લોહી - પેશાબની સામાન્‍ય તપાસ દ્વારા થઈ શકે છે. ડાયાબીટીસ, બ્‍લડ પ્રેશરની બિમારી, ધુમ્રપાન કરતી વ્‍યકિત, જાડાપણાવાળી વ્‍યકિત અથવા તો જેમના કુટુંબમાં કિડની ફેઈલ્‍યોરના દર્દી હોય તેમણે નિયમીત કિડનીની તપાસ કરાવવી જોઈએ અને સલાહ સુચન લેવા જોઈએ.

કિડની બચાવવા માટે ઉપરના સોનેરી સુચનોનું સૌએ પાલન કરવુ જોઈએ.

નિઃશુલ્‍ક સેવાયજ્ઞ : વિશ્વ કિડની દિવસ નિમિતે કિડનીના રોગથી બચવા માટે સમગ્ર વિશ્વમાં જુદી જુદી સંસ્‍થાઓ દ્વારા આ અંગે જનજાગૃતિ માટે જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવે છે. સૌરાષ્‍ટ્ર યુરોલોજી એસોસીએશન અને બી.ટી. સવાણી કિડની હોસ્‍પિટલ દ્વારા જનજાગૃતિ માટે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત તા.૯ના ગુરૂવારના રોજ યુરોકેર હોસ્‍પિટલ, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ (ફોન - ૯૭૧૨૯ ૭૭૦૯૩) ખાતે સવારે ૯ થી ૧૨ દરમિયાન માં નિઃશુલ્‍ક કિડની રોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના સિનીયર યુરોલોજીસ્‍ટ ડો.જીતેન્‍દ્ર અમલાણી, ડો.જીગેન ગોહેલ તથા ડો.પ્રતિક અમલાણી પોતાની સેવાઓ આપવાના છે.

આ સાથે બાળકોને લગતા કિડની - પેશાબના દર્દોના સૌરાષ્‍ટ્રના એકમાત્ર પીડીયાટ્રીક યુરો સર્જન ડો.ધૃતિબેન અમલાણી (કલસરીયા) પણ આ નિદાન યજ્ઞમાં પોતાની સેવાઓ આપવાના છે. જેનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. દર્દીએ પોતાની જુની ફાઈલ અને રીપોર્ટ સાથે લાવવા જરૂરી છે.

(2:45 pm IST)