Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ગોલ્ડ ઇમ્પોર્ટ સ્કીમનો મેહુલ ચોકસી અને અન્ય જવેલરોએ મની લોન્ડરીંગ માટે ઉપયોગ કરેલો?

પી. ચિદમ્બરમની ૮૦:ર૦ સ્કીમ વિશેની ફાઇલો સંસદીય સમીતીએ મંગાવી

નવી દિલ્હી, તા., ૬:  નાણામંત્રાલયના અધિકારીઓ યુપીએ સરકારના કાળમાં લવાયેલી ૮૦:ર૦ ગોલ્ડ ઇમ્પોર્ટ સ્કીમને લગતી તમામ ફાઇલો અને નોંધ લઇને સંસદની જાહેર હિસાબ સમીતી સમક્ષ હાજર થવાના છે. સુત્રોએ જણાવ્યા મુજબ ૧૦ દિવસની અંદર તેઓ સમીતી સમક્ષ હાજર થશે.

આ સમીતીમાંના બીજેપીના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ નાણાપ્રધાન હતા એ અરસામાં લવાયેલી ઉકત સ્કીમનો દુરૂપયોગ મેહુલ ચોકસી સહીતના ભાગેડુ જવેલરોએ મની લોન્ડરીંગ માટે કર્યો હતો.

તત્કાલીન યુપીએ સરકારે ઓગસ્ટ ર૦૧૩ માં ૮૦:ર૦ નિયમ લાગુ કર્યો હતો. એ મુજબ ટ્રેડરો અગાઉની આયાતમાંથી ર૦ ટકા સોનાની નિકાસ કરે તો જ વધુ સોનાની આયાત કરી શકે એવી જોગવાઇ કરવામાં આવી હતી. એનડીએ સરકાર સતા પર આવ્યા બાદ નવેમ્બર ર૦૧૪ માં આ સ્કીમ રદ કરવામાં આવી હતી.

જાહેર હિસાબ સમીતીમાંના બીજેપીના સભ્યોએ સમીતીની ગયા સપ્તાહે મળેલી બેઠકમાં આ સ્કીમ સંબંધે ચિદમ્બરમે ભજવેલી ભુમીકા વિશે સવાલ ઉઠાવ્યા હતા. મહેસુલ સચિવ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડીરેકટરેટ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ એન્ડ કસ્ટમ્સના ટોચના અધિકારીઓ બીજેપીના સંસદસભ્ય નિશિાંત દુબેના વડપણ હેઠળની પેટા સમીતી સમક્ષ હાજર થયા હતા. એ બેઠક વખતે સમીતીના સભ્યોએ સ્કીમને લગતી તમામ વિગતો લઇને આવવાનો અધિકારીઓને આદેશ આપ્યો હતો.

સુત્રોએ જણાવ્યા મુજબ એ બેઠકમાં સમીતીના સભ્યોએ ર૦૧૬ના કેગના અહેવાલની પણ છણાવટ કરી હતી. એમાં જાણવા મળ્યું હતું કે ઉકત સ્કીમને લીધે સરકારી તિજોરીને ૧ લાખ કરોડ રૂપીયાનું નુકશાન થયું હતું.

ચિદમ્બરમની ભુમીકા વિશે સવાલ ઉઠાવતા તેમણે કહયું હતું કે કેગના અહેવાલ  મુજબ જવેલરોને ૧ અમેરીકન ડોલર (ત્યારના ૬૦ રૂપીયા)ની આવક કરાવવા માટે સરકારે રર૧.૭પ રૂપીયાની ડયુટી જતી કરવી પડતી હતી કેગના અહેવાલમાં એમ પણ કહવાયું હતું કે ચોકસી સહીતના જવેલરોએ રાઉન્ડ ટ્રીંપીંગ તથા મની લોન્ડરીંગ માટે એ સ્કીમનો દુરૂપયોગ કર્યો હતો. દુબેએ ઉકત બેઠકમાં એવી શંકા વ્યકત કરી હતી કે પી.ચિદમ્બરમને આ બધાની જાણ હતી.

રાઉન્ડ ટ્રિપીંગમાં દેશની બહાર જતુ કાળુ નાણુ સફેદ થઇને પાછુ આવે છે.

નોંધનીય છે કે હાલમાં બહાર આવેલા પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના કૌભાંડમાં ચોકસી અને તેમના ભાણેજ નીરવ મોદીએ બેન્ક સાથે આશરે ૧ર,૬૩૬ કરોડ રૂપીયાની છેતરપીંડી કરી છે અને તેઓ બન્ને દેશની બહાર ભાગી ગયા છે એવો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનનો આક્ષેપ છે.

ચિદમ્બરમે સાત કંપનીઓને મદદ કરેલીઃ કેન્દ્ર સરકાર

મનમોહન સિંહના નેેત્તૃત્વ હેઠળની યુપીએસ સરકાર પર નિશાન સાધતા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ગઇકાલે એવો આરોપ મુકયો હતો કે એ વખતે નાણાપ્રધાન પી.ચિદમ્બરમ દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના દ્વારા પીએમબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસી અને નિરવ મોદીની મદદ કરવામાં આવી હતી.

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહયું હતું કે ઓગષ્ટ ર૦૧૩ માં શરૂ કરવામાં આવેલી ૮૦:ર૦ યોજનાને નવેમ્બર-ર૦૧૪ માં બંધ કરવામાં આવી હતી. ચુંટણીના પરીણામોની જાહેરાતના દિવસે એટલે કે ર૦૧૪ ની ૧૬ મેએ એ સમયના નાણાપ્રધાને ૮૦:ર૦ યોજનાનો લાભ સાત પ્રાઇવટ કંપનીઓને આપ્યો હતો. જેમાંની એક કંપની ગીતાંજલી હતી.

૮૦:ર૦ યોજના શું હતી ?

આ યોજનાની શરૂઆત ઓગસ્ટ-ર૦૧૩માં થઇ હતી. એ સમયે કરન્ટ અકાઉન્ટની ખાદ્ય ખૂબ જ વધી ગઇ હતી. સોનાની આયાતને નિયંત્રિત કરવા MMTC અને PSU ને જ સોનાની આયાત કરવાનો અધિકાર હતો. આમાં ફેરફાર કરીને કેટલીક પ્રાઇવેટ કંપનીઓને પણ સોનાની આયાત-નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એ માટેની શરત એ હતી કે તેઓ કુલ આયાતના માત્ર ર૦ ટકા જ નિકાસ કરી શકશે તથા ૮૦ ટકા સ્થાનિક વપરાશ માટે ઉપયોગમાં લેશે.

નવેમ્બર-ર૦૧૪માં PSU સરકારે સોનાની આયાત પરનો વિવાદાસ્પદ ૮૦:ર૦ યોજના બંધ કરી હતી. આ યોજનાનો દુરૂપયોગ કરવાનો આરોપ લગભગ અડધો ડઝન કંપનીઓ પર મૂકવામાં આવ્યો છે.

(12:58 pm IST)