Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

રેલવે મંત્રાલયનો TTEને મુસાફરો પાસેથી ૨૦૦૦ કરોડ ભેગા કરવા ટાર્ગેટ

રનિંગ ટ્રેન TTEને ૩૫૦૦૦, સ્ટેશન ગ્રાઉન્ડ TTEને રોજ ૧૦૦૦૦ ભેગા કરવા આદેશ

નવી દિલ્હી તા. ૬ : જાન્યુઆરી મહિનાની ૩૧ તારીખે રેલવે મંત્રાલયે પરિપત્ર કરી ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં રેલવેના તમામ ઝોનના ટિકિટ ચેકિંગ વિભાગને બે હજાર કરોડ રૂપિયા ભેગા કરવા ટાર્ગેટ અપાયો છે. પરિપત્ર મળતાની સાથે TTE (ટ્રાવેલિંગ ટિકિટ એકઝામિનર) દ્વારા મુસાફરો પાસે લૂંટ ચલાવાઈ રહી હોવાનું ધ્યાને આવ્યું છે. દેશમાં હાલ ૧૮ હજાર કરતા વધુ મુસાફરી ટ્રેનમાં લાખોની સંખ્યામાં મુસાફરો અવર-જવર કરી રહ્યા છે ત્યારે મુસાફરો પાસેથી રૂપિયા પડાવવા સરકારે જ અધિકારીઓને પીળો પરવાનો આપ્યો છે તેના કારણે મુસાફરો અણધારી મુશકેલીમાં મૂકાયા છે.

રેલવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંત્રાલયે ગમે તે પરિસ્થિતિ હશે તો પણ રનીંગ ટ્રેન TTEએ મુસાફરો પાસેથી દરરોજ ૩૫ હજાર અને સ્ટેશન ગ્રાઉન્ડ TTE સ્ટાફે દરરોજ ૧૦ હજાર રૂપિયા એકત્ર કરવા ફરજ પાડવામાં આવી રહી છે. જો ટાર્ગેટ પુરો નહીં થાય તો જે તે TTEનું ટ્રાવેલ્સ એલાઉન્સ બંધ કરી દેવામાં આવશે. તેમજ તેની વિરૂદ્ઘ વિભાગીય તપાસ પણ શરૂ કરાશે તેમ ચીમકી અપાઈ છે.

અમદાવાદ ડિવિઝનના સત્ત્।ાવાર સૂત્રો કહે છે કે, કેન્દ્ર સરકારનો આદેશ આવ્યો છે તેનું પાલન કર્યા વગર કોઈ છૂટકો નથી. આ પરિસ્થિતિમાં લોકલ ડબ્બામાં મુસાફરી કરતા મુસાફરો પાસેથી સ્લિપર કલાસ મુસાફરનો ડિફરન્સ વસૂલી રિઝર્વેશન ડબ્બાની અંદર બેસાડવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે, ભારતીય રેલવેના કોચની અંદર ૭૨ મુસાફરો બેસી શકે તે પ્રમાણેની જગ્યા હોય છે ત્યારે હવે આ કોચની અંદર મુસાફરોને ઘેટા-બકરાની જેમ ભરી દેવામાં આવી રહ્યા છે જેના કારણે લોકલ કોચના મુસાફરે વધુ ભાડું આપવું પડી રહ્યું છે જયારે જે મુસાફર રિઝર્વેશન ટિકિટ લઈ આરામથી મુસાફરી કરવા માંગે છે તેને પણ હેરાન થવું પડી રહ્યું છે. નવા રેલવે મંત્રીએ TTEને ટાર્ગેટ તો આપ્યો છે, પણ હકિકતે મુસાફરોએ તેના ભોગ બનવું પડી રહ્યું છે. ભારતીય રેલવેમાં મુસાફરી કરતા ઘણા મુસાફરો પાસે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માંડ ભાડું હોય છે તેમની પાસેથી ત્રણથી ચાર ગણો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હોવાથી તેઓ ત્રસ્ત બની ગયા છે. આ બાબતે પેસેન્જર એસોસિએશન આગળ આવે તો સરકારે કરેલો આ તઘલખી નિયમ પાછો ખેંચાય તેમ મુસાફરો કહી રહ્યા છે.(૨૧.૯)

(10:21 am IST)