Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ગોવામાં શરૂ થયો વેસ્ટ બાર

બીયરના ઢાંકણા - સિગારેટના ઠુઠા વીણીને આપો અને મેળવો બીયર ફ્રીમાં

પણજી તા. ૬ : ગોવાના બીચ પર બીયર પીશો તો તમને ૨૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. પરંતુ ૧૦ બીયરની બોટલોના ઢાંકણા અને ઉપયોગમાં લેવાયેલી ૨૦ સિગરેટના બદલે તમને વેસ્ટબારમાં એક બીયરની બોટલ મળી શકે છે. આ પહેલાનો હેતુ ગોવા આવનારા પર્યટકોમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગરૂકતા પેદા કરવાનો અને ગોવાના બીચને સ્વચ્છ રાખવાનો છે.

બેસ્ટ બારનો આ આઈડિયા દ્રષ્ટિ મરીન નામની એક ખાનગી બીચ મેનેજમેન્ટ એજેન્સીનો છે. જેને પ્રદેશના પર્યટન મંત્રાલયે ગોવાના સમુદ્ર તટો પર કચરાના સંકટથી છૂટકારો મેળવવાના કામમાં લગાવી છે. આ પહેલની શરૂઆત ૩૦ જાન્યુઆરીએ કરવામાં આવી તથા ઉત્ત્।ર ગોવાના બાગા બીચ સ્થિત પ્રસિદ્ઘ ટિટો લેન પર જંજીબાર શેકમાં વેસ્ટ બાર ખોલવામાં આવ્યાં.

દ્રષ્ટિમરીનની સાથે મળીને અભિયાનની સંકલ્પના કરનારી નોરીન વેન હોલ્સ્ટીને જણાવ્યું કે વેસ્ટ બાર એક લાભકારી સંકલ્પના છે. આ જગ્યા માટે એક સકારાત્મક ઉપાય છે. આ સાથે જ આ કાર્યક્રમ ભીડને આકર્ષિત કરવાની દિશામાં પણ એક સકારાત્મક પગલું છે. તમારા ગ્રાહકો ખુશ થાય છે કારણ કે તેમને લાગે છે કે સમાજ માટે તેઓ પોતાનું યોગદાન આપી રહ્યાં છે અને મફતમાં પીવા પણ મળી રહ્યું છે. બ્રાન્ડને પોતાની પોઝીશન બનાવવામાં મદદ મળે છે.

તેમણે કહ્યું કે લોકોને ગોવાની બે ચીજો આકર્ષિત કરે છે. બીચ અને બાર. આથી જે લોકો આ ચીજો માટે અહીં આવે છે તેમને તે આપી દો. કચરો જમા કરવા માટે તેમને મફત પીવા મળે છે. તેનાથી તેઓ બીચ પર કચરાને લઈને જાગરૂક પણ થાય છે કારણ કે કચરાનું મુલ્ય હોય છે. તેઓ ગોવાથી સારા અનુભવ સાથે પાછા ફરે છે.

વેન હોલ્સ્ટીનના જણાવ્યાં મુજબ વેસ્ટ બારની શરૂઆત થોડા વર્ષો પહેલા નેધરલેન્ડ્સમાં કરવામાં આવી હતી અને હવે આ આઈડિયા લોકપ્રિય બની રહ્યો છે. તેમણે કહ્યું કે સિગારેટના બટ અને બોટલોનો ઢાંકણા ઉપરાંત ઉપયોગમાં લેવાયેલી પાંચ પ્લાસ્ટિકની સ્ટ્રો માટે તમને એક ઠંડી બોટલ બીયર અને કોકટેલ મળશે. તેમણે કહ્યું કે આગામી કેટલાક મહિનામાં વિભિન્ન જગ્યાઓ પર વેસ્ટ બાર બનાવવામાં આવશે.

ગોવાના બીચ પર દર વર્ષે ૮૦ લાખ પર્યટકો આવે છે. છેલ્લા કેટલાક વર્ષથી બીચો પર કચરાના ઢગલા જોવા મળે છે. જે ચિંતાનો વિષય બની ગયા છે. બીચોને ચોખ્ખા કરવા માટે ખાનગી એજન્સીઓને નિયુકત કરાઈ છે.

છેલ્લા કેટલાક સપ્તાહથી ખાસ કરીને પ્રસિદ્ઘ પર્યટક સ્થળો પર સરકાર કચરાના સંકટથી છૂટકારો મેળવવા માટે લાચારી મહેસૂસ કરી રહી હતી અને તે ગોવાના પર્યટન ઉદ્યોગ માટે પણ ચિંતાનો વિષય બની ગયો હતો. કારણ કે પર્યટકોના ધસારામાં ઘટાડો થયો હતો.

દ્રષ્ટિ મરીનના સીઈઓ રવિશંકરે કહ્યું કે ગત પર્યટન સીઝનમાં અમે સમુદ્ર તટને ચોખ્ખો રાખવા માટે જાગરૂકતા પેદા કરવા ૧૫૦થી વધુ દિવસો સુધી ખુબ સફળ અભિયાન ચલાવ્યું. જેમાં લોકોને કચરો અલગ અલગ કરીને મહત્વ અંગે જણાવવામાં આવ્યું. આ દિશામાં અમે ખુબ સકારાત્મક પ્રભાવ પેદા કર્યો અને આ સીઝનમાં પણ અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું ગોવાના બીચ દેશમાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે, જયાં દર વર્ષે પાંચ લાખથી વધુ વિદેશી પર્યટકો આવે છે.(૨૧.૨૯)

(3:41 pm IST)