Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ઉત્તરપ્રદેશના મેરઠમાં નકલી નોટ છાપનારી ગેંગનો પર્દાફાશઃ માતા-પુત્રી સહિત 12 લોકો ઘરની અંદર જ ચલણી નોટ છાપતાઃ પ્રિન્‍ટર અને રૂા.1.20 લાખની નકલી નોટો જપ્‍ત

મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં નકલી નોટ છાપનારી ગેંગનો પર્દાફાશ થયો છે. મેરઠના ગંગાનગરમાં એક ઘરની અંદર નકલી નોટો છાપવાનું કામ ચાલી રહ્યું હતું. આ મામલે પોલીસે તપાસ બાદ 12 લોકોને ઝડપી પાડ્યા છે. જેમાં એક મહિલા અને તેની પુત્રીઓ પણ સામેલ છે. આ તમામ લોકો ઘરે જ નકલી નોટો છાપવાનું કામ કરી રહ્યાં હતા.

કેવી રીતે થયો પર્દાફાશ?

આ સમગ્ર કાંડનો પર્દાફાશ બી-બ્લૉકમાં રહેતા એક રાશનની દુકાનદારની સતર્કતાના કારણે થયો છે. વાસ્તવમાં ગેંગની એક મહિલા સભ્ય નકલી નોટ લઈને સામાન ખરીદવા માટે રાશનની દુકાનમાં પહોંચી હતી. જે નોટ તેણે દુકાનદારને આપી, તે જ સીરિયલ નંબરની નેટ લઈને ત્રણ દિવસ પહેલા તેની પુત્રી પણ દુકાનથી સામાન લઈને ગઈ હતી. જેના કારણે દુકાનદારને નોટ નકલી હોવાની આશંકા ગઈ હતી. જે બાદ દુકાનદારે તાત્કાલીક પોલીસને જાણ કરી હતી.

પોલીસને જાણ થતાં તાત્કાલીક ટીમે તપાસ શરૂ કરી, ત્યારે સમગ્ર કાંડ સામે આવ્યું. પોલીસે આરોપીઓના ઘરેથી પ્રિન્ટર અને 1,10,000ની નકલી નોટો મળી છે. આ નકલી નોટો 200 અને 500ની છે. પોલીસે નકલી નોટ છાપવાના આરોપમાં મહિલા, તેની પુત્રી સહિત અન્ય બે યુવતી અને 7 યુવકોને ઝડપી પાડ્યા છે.

આ કેસની ગંભીરતાની જોતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ એલર્ટ થઈ ગયા છે. ઝડપાયેલા 12 લોકોની પૂછપરછ ચાલી રહી છે. કહેવાય છે કે, આ સમગ્ર રેકેટના માસ્ટર માઈન્ડ એક મહિલા અને પુરુષ છે. જો કે મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(5:41 pm IST)