Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

હવે લોકરમાં સોનુ મુકવાથી મળશે વ્યાજ : ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમમાં મોટા ફેરફારની તૈયારી

સોનાના ભાવના 1.5 ટકા સુધીનો ઈન્સેન્ટિવ ઝવેરીઓ મેળવી શકશે : મોટા ઝવેરીઓની રિટેલ ચેનને ઈન્સેન્ટિવ આપવાની દરખાસ્ત :નાણાં મંત્રાલયના અધિકારીઓની બેઠક પણ મળી

નવી દિલ્હી :ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમમાં સરકાર મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.સરકાર ઝવેરીઓને આ યોજનામાં જોડાવા માટે ઈન્સેન્ટિવ પણ આપી શકે છે.ટૂંક સમયમાં ગોલ્ડ મોનિટાઇઝેશન યોજનામાં ફેરફાર કરવામાં આવશે તેવા સંકેત મળી રહ્યા છે. આ યોજના હેઠળ મોટા ઝવેરીઓની રિટેલ ચેનને ઈન્સેન્ટિવ આપવાની દરખાસ્ત કરાઈ છે સાથે આ સ્કીમમાં સોનાના ભાવના 1.5 ટકા સુધીનો ઈન્સેન્ટિવ ઝવેરીઓ મેળવી શકે છે.

નવા સૂચનો મુજબ કલેક્શન સેન્ટર અને શુદ્ધતા કેન્દ્ર સ્થાપવા પર પણ છૂટ આપી શકાય છે. આ મુદ્દે ઝવેરીઓ અને નાણાં મંત્રાલયના અધિકારીઓની બેઠક પણ મળી છે. નવી માર્ગદર્શિકા જલ્દી જારી થઈ શકે છે. આ યોજના હેઠળ વધુને વધુ સોનું જમા કરવામાં ભાર આપવામાં આવશે.

સરકારે 2015 માં ગોલ્ડ મોનિટાઇઝેશન યોજના શરૂ કરી હતી. તેનો હેતુ ઘરો અને સંસ્થાઓમાં રાખેલ સોનું બહાર લાવવા અને તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવાનો છે. આ હેઠળ, સોનું મધ્યમ ગાળામાં 5 થી 7 વર્ષ અને લાંબા સમય સુધી 12 વર્ષ સુધી સંગ્રહિત કરી શકાય છે.

ગોલ્ડ મોનિટાઇઝેશન યોજના હેઠળ, તમે તમારું સોનું બેંકમાં જમા કરાવી શકો છો. બેંક તેના પર વ્યાજ આપશે. આ યોજનાની વિશેષ બાબત એ છે કે પહેલાં તમે તમારા સોનાને લોકરમાં રાખતા હતા પરંતુ હવે તમારે લોકર લેવાની જરૂર નથી અને નિયત વ્યાજ પણ મેળવશો. હજુ સુધી વ્યાજનો દર અને સ્કીમની સંપૂર્ણ વિગતો માટે થોડો ઇંતેજાર કરવો પડશે.

કેન્દ્ર સરકાર દ્વારા સિસ્ટમમાં પડેલા સોનાને સિસ્ટમમાં પાછા આપવા માટે યોજના શરૂ કરવામાં આવી હતી. હવે તેને આકર્ષક બનાવવા માટે સરકાર તેમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. સરકાર યોજનામાં મોટા બદલાવની તૈયારી કરી રહી છે.

(1:19 pm IST)