Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

પંજાબ ભાજપના નેતાઓ પીએમ મોદીને મળ્યા: ખેડૂત આંદોલનમાં માઓવાદી ઘૂસી ગયાનો લગાવ્યો આરોપ

ખેડૂતોએ કૃષિ બિલ પરત લેવાની માંગ છોડી દેવી જોઇએ

નવી દિલ્હી : કૃષિ કાયદા સામે ચાલતા વિરોધ આંદોલન વચ્ચે પંજાબ ભાજપના નેતાઓએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. પંજાબ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી સુરજીત કુમાર જ્યાણી અને હરજીત સિંહ ગ્રેવાલે વડાપ્રધાન સાથે તેમના આવાસ ઉપર મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ સુરજીત કુમાર જ્યાણીએ કહ્યું કે વડાપ્રધાન પંજાબને સારી રીતે સમજે છે ને ખેડૂતોને પણ મહત્વ આપે છે. સાથે જ તેમણે કહ્યું કે ખેડૂતોએ કૃષિ બિલ પરત લેવાની માંગ છોડી દેવી જોઇએ. આ તરફ હરજીત સિંહ ગ્રેવાલે કહ્યું કે ખેડૂતોના આંદોલનની અંદર માઓવાદી ઘુસી ગયા છે જે આ મુદ્દે સામાધાન થવા નથી દેતા.

સુરજીત કુમાર જ્યાણીને ગયા વર્ષે ત્રણે કૃષિ બિલો ઉપર પંજાબના ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે ભાજપ તરફથી બનાવવામાં આવેલ કિસાન સમન્વય સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તે સમયે હજુ કૃષિ બિલ સંસદમાં પાસ થયા નહોતા. હરજીત સિંહ પણ આ જ સમિતિના સભ્ય હતા.

ઉલ્લેખનીય છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે યોજાયેલ આઠમી બેઠક પમ નિષ્ફળ રહી છે. ખેડૂતો કૃષિ બિલ પરત લેવાની પોતાની માંગ ઉપર અડગ છે, જ્યારે સરકાર તેમાં સંશોધન કરવાની વાત કરી રહી છે. આ બધા વચ્ચે આગામી 8 જાન્યુઆરીએ આગામી બેઠક યોજાનાર છે. જો કે તે પહેલા 7 જાન્યુઆરીએ ખેડૂત સંગઠનો દ્વારા ટ્રેક્ટર રેલી યોજવાના છે.

(12:59 am IST)