Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

JNUમાં હિંસા એ સરકાર પ્રેરિત આતંક અને ગુંડાગીરી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ :ન્યાયિક તપાસની માંગણી

દિલ્હી પોલીસ હિંસાને ચૂપચાપ જોતી રહી અને મોદી સરકાર યુવાઓનો અવાજ દબાવવા માંગે છે.: કોંગ્રેસની સટાસટી

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) માં રવિવારે સાંજે થયેલી હિંસાને લઈને કોંગ્રેસ પાર્ટીએ  કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહને પૂછ્યું કે હિંસા દરમિયાન 150થી વધુ વાર દિલ્હી પોલીસને કોલ કરવામાં આવ્યાં હતાં.

  સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકાર જેએનયુના વિદ્યાર્થીઓને નિર્દયતાથી પીટાઈ કરાવે છે. અંહકારી સરકારની ખુરશી આજે ડગુમગુ થઈ રહી છે. જેએનયુના વિદ્યાર્થીઓ પર નકાબપોશ ગુંડાઓએ હુમલો કર્યો હતો  દિલ્હી પોલીસ હિંસાને ચૂપચાપ જોતી રહી અને  મોદી સરકાર યુવાઓનો અવાજ દબાવવા માંગે છે.

કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે "જેએનયુ હિંસાની પાછળ સરકારનો હાથ હતો. સુરજેવાલાએ કહ્યું કે સરકાર પ્રાયોજિત આતંકવાદ અને ગુંડાગીરી છે. આ બધુ ગૃહમંત્રી અમિતભાઈ  શાહના ઈશારે થયું છે. આ દેશના યુવાઓને અમિત શાહની તપાસ પર ભરોસો નથી. અમે માગણી કરીએ છીએ કે હિંસાની ન્યાયિક તપાસ થવી જોઈએ. તે પણ દિલ્હી હાઈકોર્ટના સિટિંગ જજની દેખરેખમાં."

તેમણે કહ્યું કે જેએનયુ અને જામિયા સુધી આ સિમિત નથી. દેશની અનેક શિક્ષણ સંસ્થાઓમાં આવો અવાજ ઉઠી રહ્યો છે જેને દબાવવા માટે સરકારના ઈશારે આવું થઈ રહ્યું છે. સરકાર વિદ્યાર્થીઓ અને યુવાઓનો અવાજ દબાવવા માંગે છે. કોંગ્રેસ નેતા ઉદિત રાજજી ગઈ કાલે કેમ્પસની બહાર હતાં. તેમણે આ બધુ પોતાની નજરે જોયું હતું.

ત્યારબાદ ઉદિત રાજે જણાવ્યું કે હું જેએનયુ ગેટની બહાર હતો અને અમને અંદર જવા દીધા નહીં. પોલીસ મૂકદર્શક બનીને જોતી રહી. ગુંડાઓ અંદર આતંક મચાવીને સરળતાથી બહાર નીકળી રહ્યાં હતાં. અંદરથી મને મારા મિત્રોના ફોન આવી રહ્યાં હતાં કે પોલીસને મોકલો અહીં ગુંડાઓએ હુમલો કર્યો છે.

(1:24 pm IST)