Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

GST: અત્યાર સુધીના ક્રેડિટ લેજર ન ખુલતા કોર્પોરેટ સેકટર મુશ્કેલીમાં

કરોડો રૂપિયાની ક્રેડિટ મળતી નથી અને ટેકસ રોકડમાં ભરવો પડે છેઃ ઉદ્યોગકારો નાણાંભીડ અનુભવી રહ્યા હોવાનો તજજ્ઞોનો મત

મુંબઇ તા. પ :.. ગુડસ એન્ડ સર્વિસ ટેકસનો જૂલાઇ મહિનાથી અમલ થયો છે પણ સીસ્ટમ હજી યોગ્ય રીતે કાર્ય કરતી ન હોવાના પગલે કોર્પોરેટ સેકટર મુશ્કેલીમાં મુકાઇ ગયું છે. તેમ કરવેરા સલાહકાર યોગેન મહાદેવિદયાએ જણાવ્યું હતું. જૂલાઇ મહિનાથી અત્યાર સુધીની કરોડો રૂપિયાની ક્રેડિટ મળતી નથી બીજી તરફ ઉદ્યોગોને તેમનો ટેકસ રોકડમાં ભરવો પડે છે. આ સ્થિતિમાં નાણાભીડ તરફ ગંભીર બનશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. જીએસટી સીસ્ટમના ધાંધીયાના પગલે જૂલાઇ મહિનાથી ઘણી કંપનીઓના રીટર્ન ફાઇલ થઇ શકયા નથી. ર૮ ટકા પરથી ૧૮ ટકા અને ત્યાંથી ૧ર ટકા અને પાંચ ટકા જેટલા ટેકસના સ્લેબ પર ઘણી ચીજો મુકાઇ છે. જે મુળ એકસાઇઝ અને સર્વિસ ટેકસની સીસ્ટમ તરફ આપણે આવી ગયા છીએ તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. આ નિશાની આપણે ઠેરના ઠેર આવી રહ્યા છીએ તેમ દર્શાવે છે. ટેકસેશનમાં સરળતા માટે જીએસટીનો અમલ કર્યો પણ સીસ્ટમ જ ચાલતી ન હોવાથી મુશ્કેલીઓ વધી છે. ૧ર ટકા અને ૬ ટકા એકસાઇઝ અગાઉ હતી અને ૧૪ અને પાંચ ટકા સર્વિસ ટેકસ હતો. અગાઉ વેટ તથા અન્ય ટેકસ હતા ત્યારે સીસ્ટમ યોગ્ય રીતે ચાલતી હતી. સરળતા માટે જીએસટી લાવ્યા પણ ઉદ્યોગોની મુશ્કેલીઓ તો ન ઘટી. ટેકસ ભરવાનો પાયો અગાઉ સેનવેટ ક્રેડિટ હતી તે બંધ થયો છે. ઉદ્યોગોને રોકડ ટેકસ ભરવા માટે નાણા લાવવા પડે છે. હવે પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે, એક તરફ રિટર્ન ફાઇલ ન થાય તો પેનલ્ટી શરૂ થઇ જાય છે. જીએસટીઆર-૧ ફાઇલ ન થાય તો પછીના ર -૩ પણ આપોઆપ ફાઇલ થતાં નથી. જો હવે આ ક્ષેત્રે ગંભીરતાથી પગલાં ન લેવાય તો તેની ગંભીર અસરો કોર્પોરેટ સેકટર ઉપર પડશે. (પ-પ)

 

(10:28 am IST)