Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

રાજ્યસભામાંથી શરદ યાદવ, અલી અનવરનું સભ્યપદ રદ્દ

જેડીયુ પાર્ટી સામે બગાવત કરવાની સજા મળી

નવી દિલ્હી તા. ૫ : જેડીયુ પાર્ટીમાં બળવો કરનારા શરદ યાદવ અને અલી અનવરનું રાજયસભામાંથી સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. જેડીયુએએ આ અંગે રાજયસભા સચિવાલય સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ બંનેનાં સભ્યપદ રદ કરવાનો નિર્ણય લીધો હતો. રાજયસભા સચિવાલયના અનુસાર, બંધારણની દસમી અનુસૂચિના પેરા 2 (1) (A) અનુસાર, બંને નેતાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. રાજયસભામાં પાર્ટીના નેતા આરસીપી સિંહે તેની પુષ્ટિ કરી છે. શરદ યાદવની ટર્મ હજી પાંચ વર્ષ બાકી છે, જયારે અલી અનવરને છ મહિના બાકી છે.

જેડીયુએ ઓગસ્ટમાં શરદ યાદવને રાજયસભામાં જેડીયુના નેતાપદે દૂર કરવામાં આવ્યા હતા. નીતીશકુમારે જેડીયુના મહાગઠબંધનથી અલગ થઈને ભાજપ સાથે સરકાર બનાવ્યા બાદ શરદ યાદવે બળવો કર્યો હતો. શરદ યાદવ નીતીશકુમાર સમર્થક જેડીયુ નેતાઓની મનાઈ છતાં પટનામાં લાલુ પ્રસાદ યાદવની 'બીજેપી ભગાવો, દેશ બચાવો' રેલીમાં સામેલ થયા હતા અને તેના મંચ પરથી નીતીશકુમાર પર પ્રહારો કર્યા હતા.

જેડીયુ નેતા કે. સી. ત્યાગીએ કહ્યું હતું કે, લાલુની રેલીમાં સામેલ થઈને તેમણે પાર્ટીવિરોધી પ્રવૃત્તિઓ કરી છે અને તે પક્ષપલટાના કાયદાનું સીધું ઉલ્લંઘન છે. રાજયસભાના સભ્યપદ ગુમાવવું એ શરદ યાદવ માટે મોટા આંચકા સમાન છે.

(9:50 am IST)