Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

દક્ષિણ કાશ્‍મીરના શોપિયાના ટોક મોહલ્લા વિસ્‍તારમાં આતંકવાદીઓ ત્રાટક્‍યાઃ બેન્‍કની કેશવાનમાંથી 70થી 80 લાખની લૂંટ કરીને નાસી છૂટયા

શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરમાં શોપિયાંના ટૉક મોહલ્લા સ્થિત જમ્મુ કાશ્મીર બેન્ક પાસે આતંકીઓએ બેન્કની કેશ વાનમાંથી રૂપિયા લૂંટી લીધા હતા. પોલીસ અનુસાર લૂંટવામાં આવેલી રકમ 60-80 લાખ રૂપિયા સુધીની છે. બેન્કના અધિકારીઓ દ્વારા રકમની પૃષ્ટી કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યુ કે કેટલાક અજાણ્યા બંદૂકધારી શખ્સોએ શોપિયાંના ટૉક મોહલ્લામાં સ્થિત જમ્મુ કાશ્મીર બેન્કની મુખ્ય શાખામાંથી નીકળેલી કેશ વાન પર અચાનક હુમલો કર્યો હતો. બંદૂકની નોક પર આતંકવાદીઓએ વાનમાં રાખેલી તમામ રકમ કાઢી લીધી હતી અને ફરાર થઇ ગયા હતા. પોલીસે જણાવ્યુ કે ઘટનામાં આશરે ચાર આતંકીઓ સામેલ હતા. વાનમાં 70-80 લાખ રૂપિયા હોવાનું જાણવા મળે છે. જોકે, બેન્ક અધિકારીઓએ હજુ સુધી તેની ઓફિશિયલ પૃષ્ટી કરી નથી. આ ઘટના પછી પોલીસ અને સેનાના જવાન તુરંત ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને તેમણે આસપાસના વિસ્તારમાં આતંકીઓને શોધવાની તપાસ હાથ ધરી હતી.

બડગામમાં પોલીસ કર્મીની હત્યા

બડગામમાં એક ગુમ થયેલા પોલીસ કર્મીનો શબ ઝાડ પર લટકેલો મળ્યો હતો, તેના બન્ને હાથ પણ બાંધેલા હતા. પોલીસે હત્યા અને અપહરણનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યુ કે જમ્મુ કાશ્મીર પોલીસમાં આઇઆરપીની 21મી વાહિનીનો એક કોન્સ્ટેબલ મોહમ્મદ અશરફ બુધવારની રાત્રે અચાનક ગાયબ થઇ ગયો હતો. તે બડગામ જિલ્લાના અરચંદ્રહામા, માગામનો રહેવાસી હતો. છેલ્લા કેટલાક સમયથી તે ઉત્તરી કાશ્મીરના પરિહાસપોરા પટ્ટનમાં તૈનાત હતા, તેના ગાયબ થતા જ કેટલીક જગ્યાએ તપાસ કરવામાં આવી હતી, તેનો ફોન પણ સ્વિચ ઓફ હતો.

માગામથી થોડા અંતર પર બટપોરા કનિહામા ગામના સ્થાનિક લોકોએ એક યુવકનો શબ ઝાડ પર લટકેલો જોયો હતો, તેમણે તેની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોચીને શબને પોતાના કબજામાં લઇ લીધો હતો જેની ઓળખ પોલીસ કર્મીના રૂપમાં થઇ છે, તેના ચહેરા અને શરીરના વિવિધ ભાગમાં પીડાઓ આપવા અને મારવાના નિશાન હતા, તેમના બન્ને હાથ પણ પાછળ બાંધેલા હતા અને ગળામાં ફાંસીનો ફંદો લગાવેલો હતો. પોલીસ અનુસાર, જે સ્થિતિમાં શબ મળે છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે મોહમ્મદ અશરફની હત્યા કર્યા પહેલા તેને પીડાઓ આપવામાં આવી છે.

શબનું પોસ્ટ મોર્ટમ બાદ તેમના પરિવારજનોને સોપવામાં આવ્યો છે. સબંધિત પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે મોહમ્મદ અશરફની હત્યાને હલ કરવા માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. હત્યામાં આતંકીઓનો હાથ હોવાનો ઇનકાર નથી કરી શકાતો પરંતુ અન્ય કેટલાક બિંદુઓને પણ ધ્યાનમાં રાખતા તપાસનો દાયરો વધારવામાં આવી રહ્યો છે, તેના મોબાઇલ ફોનની કોલ ડિટેલ પણ જમા કરવામાં આવી રહી છે જેથી ખબર પડી શકે કે મર્યા પહેલા તેને કોની સાથે વાતચીત કરી હતી, તેની સાથે ગત કેટલાક દિવસથી કેટલા લોકો સંપર્કમાં હતા, તેના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ અચાનક ગાયબ થવા અથવા તેની હત્યા સાથે જોડાયેલી કોઇ જાણકારી મળી શકી નથી.

(4:41 pm IST)