Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

બપોર સુધીમાં કોરોનાના ૧૮ કેસ

કુલ કેસનો આંક ૮૭૬૪એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં કુલ ૮૧૮૦ દર્દીઓએ કોરોનાને હરાવતા રિકવરી રેટ ૯૩.૫૨ ટકા થયો

રાજકોટ તા.૫: શહેરમાં છેલ્લા સપ્તાહથી  કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં માત્ર ૧૮ પોઝીટીવ કેસ આવ્યા છે.  જયારે એપ્રિલથી આજ દિન સુધીમાં કુલ આઠ ંહજારથી વધુ દર્દીઓ કોરોનાની ઝપટે ચડયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૮ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૮૭૬૪  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૮૧૮૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૩.૫૨ ટકા રિકવરી રેટ થયો છે. ગઇકાલે કુલ ૩૨૭૩ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૫૮ ટકા થયો  હતો. જયારે ૫૫  દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  સાત  મહિનામાં એટલે કે એપ્રિલ થી આજ દિન સુધીમાં ૩,૫૮,૩૮૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૭૬૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૪૪  ટકા થયો છે.

નવા ૬ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે ક્રિષ્ના પેલેસ -  જંકશન, મારૂતિનગર - એરપોર્ટ રોડ, વૃંદાવન સોસાયટી - કાલાવડ રોડ, સહકાર સોસાયટી - કોઠારિયા રોડ, કુંભારવાડા - કેનાલ રોડ, ગોપાલ પાર્ક - ઢેબર રોડ સહિતના નવા ૬ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૨૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

૨૯ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૧૦ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૨૯,૪૪૦  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૧૦  વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે  રેલનગર, બજરંગવાડી, મચ્છુનગર, સોમનાથ, ગીતાનગર, મનહર નગર, આકાશદીપ સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૭૬૫  લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:42 pm IST)