Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ચાલુ વરસે સરેરાશ પગારવધારો ૬.૧ ટકા

૨૦૨૧માં કંપનીઓ કર્મચારીઓનાં પગારમાં સરેરાશ ૭.૩ ટકાનો વધારો કરે તેવી શકયતા છે

નવી દિલ્હી,તા.૫: કોરોના વાઈરસની મહામારીને પગલે જાહેર કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે ચાલુ વરસે ભારતીય કંપનીઓએ કર્મચારીઓનાં પગારમાં સરેરાશ ૬.૧ ટકાનો વધારો કર્યો છે જે છેલ્લાં એક દાયકાનો સૌથી ઓછો પગારવધારો છે એમ એક સર્વેક્ષણના તારણોમાં જણાવવામાં આવ્યું છે.

જોકે, વર્ષ ૨૦૨૧માં કંપનીઓ કર્મચારીઓનાં પગારમાં સરેરાશ ૭.૩ ટકાનો વધારો કરે તેવી શકયતા છે.

વ્યાવસાયિક સેવા પૂરી પાડતી વિશ્રની અગ્રણી કંપની એઓન પીએલસી દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા સર્વેક્ષણના તારણો મુજબ મંદીના પડકારો સામે ઝઝૂમી રહેલી દેશની કંપનીઓએ જબરજસ્ત સ્થિતિસ્થાપકતા દેખાડી છે.

વર્ષ ૨૦૨૦માં ૭૧ ટકા કંપનીઓએ પગારવધારો આપ્યો હોવાની સરખામણીએ વર્ષ ૨૦૨૧માં ૮૭ ટકા કંપનીઓ કર્મચારીઓને પગારવધારો આપવાની યોજના બનાવી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

સર્વેક્ષણના તારણો મુજબ વર્ષ ૨૦૨૦માં કંપનીઓએ સરેરાશ ૬.૧ ટકાનો પગારવધારો આપ્યો છે જે વર્ષ ૨૦૦૯ પછીનો સૌથી ઓછો પગારવધારો છે.છેલ્લે વર્ષ ૨૦૦૯માં કંપનીઓએ સૌથી ઓછો ૬.૩ ટકા પગારવધારો આપ્યો હતો.

(9:45 am IST)