Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

૬૦% ક્ષમતા સુધી ડોમેસ્ટિક ફલાઇટ્સ ઓપરેટ કરવાની મંજૂરી

નવી દિલ્હી,તા. ૫: સ્થાનિક એરલાઇન્સ કંપનીઓ માટે સારા ન્યુઝ છે. કેન્દ્રીય સિવિલ એવિયેશન મંત્રાલયે ભારતીય એરલાઇન્સ કંપનીઓને આગામી ૨૪ ફેબ્રુઆરી સુધી મહતમ ૬૦ ટકા ક્ષમતા સાથે સ્થાનિક પેસેન્જર ફલાઇટ્સ ઓપરેટ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્રએ આદેશ આપતાં કહ્યું હતું કે બીજી સપ્ટેમ્બરે એક સત્તાવર ઓર્ડરમાં એરલાઇન્સ કંપનીઓને ૬૦ ટકાની ક્ષમતા સાથે કામગીરી કરવા માટે જણાવ્યું હતું. પણ એ સમયે સરકારે સમયમર્યાદા નહોતી જણાવી.

મંત્રાલયે ૨૯ ઓકટોબરે એક નવો આદેશ જારી કર્યો છે. એમાં સ્પષ્ટ કર્યું હતું કે કોવિડ -૧૯ની વર્તમાન સ્થિતને અનુલક્ષનીને બીજી સપ્ટેમ્બરનો ઓર્ડર ૨૪ફેબ્રુઆરી ૨૦૨૧એ રાતે ૧૧:૫૯ વાગ્યા સુધી અથવા નવો આદેશ આવે ત્યાં સુધી લાગુ રહેશે.

આ પહેલા ૨૬ જૂને મંત્રાલયે એરલાઇન્સ કંપનીઓને મહતમ ૪૫ ટકા ક્ષમતા સાથે સ્થાનિક ફલાઇટ્સની કામગીરી કરવાની મંજૂરી આપી હતી.

કોરોના વાયરસને પગલે થયેલ લોકડાઉનને લીધી સ્થાનિક પેસેન્જર ફલાઇટ્સ દેશમાં બે મહિનાના અંતરાલ પછી ફરી શરૂ થઇ હતી. જો કે કોરોનાને લીધે સરકારે સ્થાનિક ફલાઇટ્સને ૩૩ ટકા ક્ષમતાથી વધુ ઉડાડવાની મંજૂરી નહોતી આપી. જો કે ૨૬ જૂને અગાઉના આદેશને સુધારતા સરકારે ૪૫ ટકા ક્ષમતા સાથે સ્થાનિક ફલાઇટ્સને ઉડાડવાની મંજુરી આપી હતી. એ પછી બીજી સપ્ટેમ્બરના આદેશમાં કહેવામાં આવ્યું હતુ કે ૪૫ ટકા ક્ષમતાને ૬૦ ટકા ક્ષમતાના રૂપે વાંચવું જોઇએ.

વળી કોરોના રોગચાળાના કારણે ૨૩ માર્ચથી દેશમાં શિડયુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફલાઇટ્સ પર પ્રતિબંધ છે. જો કે સ્પેશિયલ ઇન્ટરનેશનલ ફલાઇટ્સ મે મહિનાથી વંદે ભારત મિશન હેઠળ અને વિવિધ દેશોની સાથે દ્વિપક્ષી સંધિને કારણે જુલાઇથી કાર્યરત છે.

(9:42 am IST)