Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

રાજૌરીમાં ગુર્જર, બકરવાલ અને પહારી સમુદાયો માટે આરક્ષણની જાહેરાત કરતા અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું - પહેલા માત્ર ત્રણ પરિવારો – અબ્દુલ્લા, મુફ્તી અને ગાંધી – સત્તામાં હતા, પરંતુ સીમાંકન પછી ‘તમારા પોતાના પ્રતિનિધિ’ ચૂંટણી જીતશે.

ગૃહપ્રધાન અમિતભાઈ શાહનો જમ્મૂ કાશ્મીર મુલાકાતનો આજે બીજો દિવસ છે. કેન્દ્રશાસિત પ્રદેશના ત્રણ દિવસના પ્રવાસે પહોંચેલા અમિતભાઈ શાહે રાજૌરીમાં એક રેલીમાં ગુર્જર, બકરવાલ અને પહારી સમુદાયો માટે આરક્ષણની જાહેરાત કરી હતી. ત્યારે આજે બારામુલા જિલ્લામાં એક રેલીમાં ભાષણ દરમિયાન નજીકની મસ્જિદમાં અઝાન સંભળાયા બાદ શાહે પોતાનું ભાષણ થોડા સમય માટે અટકાવ્યું હતું

અમિતભાઈ  શાહે લોકોને પૂછ્યુ હતું કે શું મસ્જિદમાં કંઈક થઈ રહ્યું છે? ત્યારે સ્ટેજ પર કોઈએ તેમને કહ્યું કે ‘અઝાન’ થઈ રહી છે, ત્યારે ગૃહપ્રધાન અમિતભાઈ  શાહે તેમનું ભાષણ બંધ કરી દીધું. તેના પર લોકોએ તાળીઓ પાડીને તેમના સમર્થનમાં નારા લગાવ્યા હતા. થોડીવાર પછી તેમણે પૂછ્યું કે શું અઝાન પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ તેમનું ભાષણ શરૂ કરી શકે છે. ત્યારબાદ તેમને પોતાનું ભાષણ શરૂ કર્યું.

 

ગૃહપ્રધાન અમિતભાઈ  શાહે કહ્યું “અમે રાજકીય પ્રક્રિયા શરૂ કરી છે. હું તમને ખાતરી આપવા માંગુ છું કે એકવાર ચૂંટણી પંચ મતદાર યાદી જાહેર કરવાનું કામ પૂર્ણ કરી લેશે, ચૂંટણી સંપૂર્ણ પારદર્શિતા સાથે હાથ ધરવામાં આવશે અને તમારા પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીં શાસન કરશે. તેમને કહ્યું કે પહેલા માત્ર ત્રણ પરિવારો – અબ્દુલ્લા, મુફ્તી અને ગાંધી – સત્તામાં હતા, પરંતુ સીમાંકન પછી ‘તમારા પોતાના પ્રતિનિધિ’ ચૂંટણી જીતશે.

 

અમિતભાઈ  શાહે દાવો કર્યો કે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. શાહે કહ્યું કે મોદી સરકાર દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ લેવામાં આવેલી કડક કાર્યવાહીને કારણે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પહેલા કરતા વધુ સારી બની છે. તેમણે કહ્યું કે આના પરિણામે આ વર્ષે જીવ ગુમાવનારા સુરક્ષાકર્મીઓની સંખ્યા પ્રતિ વર્ષ 1,200થી ઘટીને 136 થઈ ગઈ છે.

 

(7:28 pm IST)