Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સીને જગતનો વધુ એક મહાન સિતારો ખરી પડ્યો : લંકેશના નામથી ખુબ જાણીતા ગુજરાતી ચલચિત્ર જગતના ભિષ્મ પિતામહ અરવિંદભાઈ ત્રિવેદીનું 82 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયું છે : રામાયણ સીરિયલમાંમાં રાવણનું ઐતિહાસિક પાત્ર ભજવેલ : તેમના ભત્રીજા કોસ્તુભ ત્રિવેદીએ ફેસબુક પર પોસ્ટ કરીને જણાવ્યા આ દુઃખદ સમાચાર

મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ૨૫૦થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો: રામાયણ સીરિયલમાં લંકાપતિ રાવણના પાત્રથી ખૂબ પ્રસિદ્ધિ મેળવી :સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયા હતા

રામાયણ સીરિયલમાં રાવણનું પાત્ર ભજવીને ઘર ઘરમાં લોકપ્રિય બનેલા ગુજરાતી કલાકાર શ્રી અરવિંદ ત્રિવેદીનું 5 ઑક્ટોબરના રોજ મોડી રાત્રે નિધન થયું હતું. મહત્વનું છે કે શ્રી અરવિંદ ત્રિવેદી ગુજરાતી ચલચિત્ર જગતના ભિષ્મ પિતામહ ગણાતા હતા. તેમણે સેંકડો લોકપ્રિય નાટકો અને ફિલ્મો તેમ જ ટીવી સીરિયલમાં કામ કર્યુ હતું.

શ્રી અરવિંદ ત્રિવેદીના નિધનની ખબર તેમના નજીકના સંબંધીએ સોશ્યલ મીડિયા પર આપી હતી. તેમણે આ સમાચાર આપવાની સાથે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

શ્રી અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા હતા. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ૨૫૦થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. તેમનાં ભાઇ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની કારકિર્દી ૪૦થી વધુ વર્ષોમાં પથરાયેલી હતો. તેમણે જાણીતી ધારાવાહિક રામાયણમાં લંકાપતિ રાવણના પાત્રથી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે વિક્રમ અને વેતાળ ધારાવાહિકમાં પણ અભિનય કરેલો હતો.

૧૯૯૧માં તેઓ સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ૧૯૯૬ સુધી આ પદ પર રહ્યા હતાં.

૨૦૦૨માં તેઓ ભારતીય સેન્સર બોર્ડ ‍(CBFC)નાં કાર્યકારી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા

શ્રી અરવિંદ ત્રિવેદી 82 વર્ષની વયના હતા. તેઓએ મુંબઇના કાંદિવલી સ્થિત તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. પ્રસિદ્ધ અભિનેતા શ્રી અરવિંદ ત્રિવેદી સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના કુકડીયા ગામના વતની હતા. તેઓ શ્રી રામના પરમ ભગત હતા.

(1:04 am IST)