Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ભારતના ઐશ્વર્ય પ્રતાપ સિંહે ૫૦ મીટર થ્રી પોઝિશન રાઈફલ ઈવેન્ટમાં જુનિયર વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો

ફ્રાન્સનો લુકાસ ક્રીઝ્સ ૪૫૬.૫ના સ્કોર સાથે બીજા સ્થાને અને અમેરિકાના ગાવિન બાર્નિકને ૪૪૬.૬ના સ્કોર સાથે ત્રીજું સ્થાન મળ્યું

લિમા : ભારતના યુવા શૂટરોએ પેરૃના લીમામાં ચાલી રહેલી વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવાનો સિલસિલો જારી રાખ્યો હતો. ભારતના ઐશ્વર્ય પ્રતાપ સિંહે ૫૦ મીટર થ્રી પોઝિશન રાઈફલ ઈવેન્ટમાં જુનિયર વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતની ૧૪ વર્ષની નામના કપૂરે ૨૫ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મનુ ભાકેર જેવી ઓલિમ્પિયન શૂટર હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મનુને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

ઐશ્વર્યએ ક્વોલિફાઈંગમાં ૧૧૮૫નો સ્કોર કરતાં જુનિયર વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. જે પછી તેણે ફાઈનલમાં ૪૬૩.૪નો સ્કોર કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ફ્રાન્સનો લુકાસ ક્રીઝ્સ ૪૫૬.૫ના સ્કોર સાથે બીજા સ્થાને રહ્યો હતો. અમેરિકાના ગાવિન બાર્નિકને ૪૪૬.૬ના સ્કોર સાથે ત્રીજું સ્થાન મળ્યું હતુ.

અગાઉ ભારતની ૧૪ વર્ષની શૂટર નામ્ના કપૂરે મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ફાઈનલમાં ૩૬ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ફ્રાન્સની કેમિલા જેડજેજેવસ્કીએ ૩૩ના સ્કોર સાથે સિલ્વર અને ઓલિમ્પિયન મનુ ભાકેરે ૩૧ના સ્કોર સાથે બ્રોન્ઝ હાંસલ કર્યો હતો.

(11:18 pm IST)